‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં માતા-પિતા પર અશ્લીલ મજાક ઉડાવનારા યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને મોટી રાહત મળી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને તેમની અશ્લીલ ટિપ્પણીઓ પર દેશભરમાં નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદિયાને પણ ઠપકો આપ્યો હતો.
સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં મહેમાન તરીકે આવેલા રણવીર અલ્હાબાદિયાએ માતાપિતા વિશે ખૂબ જ વાંધાજનક વાતો કહી હતી. આ પછી, મુંબઈ સહિત દેશના ઘણા ભાગોમાં યુટ્યુબર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં નોંધાયેલા કેસમાં, મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા અલ્હાબાદિયાને 24 ફેબ્રુઆરીએ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાસ્ય કલાકાર સમય રૈનાને આજે સાયબર સેલ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જોકે રૈના હાલમાં વિદેશમાં છે. જ્યારે રણવીર અલ્હાબાદિયા સતત તપાસ એજન્સીઓના સંપર્કથી બહાર હોવાનું કહેવાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સાયબર વિભાગ અને ગુવાહાટી પોલીસે રણવીર વિરુદ્ધ FIR નોંધી છે, અને પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ રણવીરે હજુ સુધી એજન્સીઓનો સંપર્ક કર્યો નથી.
મહારાષ્ટ્ર સાયબર અને ગુવાહાટી પોલીસ ઉપરાંત, જયપુર પોલીસે પણ રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે, પરંતુ તેણે હજુ સુધી તેમનો સંપર્ક કર્યો નથી. મહારાષ્ટ્ર સાયબર વિભાગે રણવીરને 24મી તારીખે હાજર થવાનો આદેશ આપ્યો છે.