મુંબઈ : અભિનેત્રી રવિના ટંડનને ફરાહ ખાનના કોમેડી શોનો ભાગ બનવું ખૂબ જ મોંઘુ પડ્યું છે. રવિના ટંડન, ભારતી સિંહ અને ફરાહ ખાન વિરુદ્ધ પંજાબમાં કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેય પર ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ છે. હવે રવિના ટંડને આ બાબતે ટ્વીટ કરીને પોતાનો પક્ષ મૂક્યો છે. રવિનાએ કાર્યક્રમનો તે વીડિયો શેર કર્યો છે, જેને લઈને જ આ સમગ્ર વિવાદ ઉભો થયો છે.
રવિનાએ આ અંગે ટ્વીટ કર્યું
રવિનાએ ટ્વિટર પર લખ્યું છે કે, ‘કૃપા કરીને આ લિંક જુઓ. મેં એક પણ શબ્દ કહ્યો નથી, જે કોઈ પણ ધર્મનું અપમાન કરે. અમે કોઈને દુઃખ પહોંચાડવા માંગતા નહોતા (ફરાહ ખાન, ભારતી સિંહ અને હું). તેમ છતાં જો આ બાબતે જેને પણ દુઃખ લાગ્યું છે, તેની પાસે હું દિલથી માફી માંગું છું.’
Please do watch this link. I haven't said a word that can be interpreted as an insult to any religion. The three of us (Farah Khan, Bharti Singh and I) never intended to offend anyone, but in case we did, my most sincere apologies to those who were hurt. https://t.co/tT2IONqdKI
— Raveena Tandon (@TandonRaveena) December 26, 2019
ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ ડિરેક્ટર ફરાહ ખાન, હાસ્ય કલાકાર ભારતી સિંહ અને અભિનેત્રી રવિના ટંડનની વિરુદ્ધ પંજાબના અમૃતસરમાં ફરિયાદ નોંધાઈ છે. ફરાહ, ભારતી અને રવિના પર ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ છે.
ત્રણેય પર આરોપ છે કે, તે એક ખાનગી વેબ અને યુટ્યુબ ચેનલ માટે બનાવેલા કોમેડી પ્રોગ્રામમાં ઈસાઈ ધર્મના શબ્દનો ઉપયોગ કરે છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ઈસાઈ ધર્મ (ખ્રિસ્તી ધર્મ)માં વપરાતા શબ્દનો ઉપયોગ આ ત્રણેય વ્યક્તિએ કર્યો છે અને તે ધર્મનું સીધું અપમાન છે. તેની સામે, ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા લોકો વતી અમૃતસરના અજનાલામાં નાતાલના દિવસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, ત્યારબાદ પંજાબ પોલીસે વીડિયોની તપાસ કર્યા બાદ એફઆઈઆર નોંધી છે.
એફઆઈઆર કેમ નોંધાઈ?
ફિલ્મ હસ્તીઓ વિરુદ્ધ આ કેસ અમૃતસરના અજનાલામાં નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસ આઈપીસીની કલમ 295-એ હેઠળ નોંધ્યો છે. એફઆઈઆર 25 ડિસેમ્બર રાત્રે 8:55 વાગ્યે નોંધાઈ છે. પોલીસને પહેલા લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. પ્રારંભિક તપાસ બાદ પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે.