પાંચ કરોડના ફ્રોડના આરોપમાં ફસાયેલ કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને કોર્ટથી રાહત મળી નથી. બોમ્બે હાઇકોર્ટે અગ્રીમ જામીન અરજી ખારિજ કરીને કહ્યું કે આ કેસ ઉત્તર પ્રદેશની કોર્ટમાં છે અને જ્યાં સુધી આ મુંબઈ પોલીસ સુધી નથી પહોંચી જતો ત્યાં સુધી આના પર કોઈ કાર્યવાહી થઇ શકે નહીં. આ સિવાય રેમો પર કોર્ટમાં હાજર ન રહેવાનો આરોપ પણ છે.
ગાઝિયાબાદના બિઝનેસમેન સત્યેન્દ્ર ત્યાગીએ રેમો પર 5 કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે રેમો વિરુદ્ધ 23 ઓક્ટોબરના નોન બેલેબલ વોરન્ટ ઇસ્યુ કર્યું હતું.
બુધવારે જસ્ટિસ કેકે તાતેડની બેન્ચ દ્વારા રેમોની અગ્રીમ જામીન અરજી પણ સુનવણી કરવામાં આવી હતી. કોર્ટે અરજી ફગાવીને કહ્યું કે આ સંબંધે મુંબઈ પોલીસને ગાઝિયાબાદ પોલીસ તરફથી કોઈ વોરન્ટ મળ્યું નથી.
આ છે આખો કેસ
રેમો ડિસૂઝા વિરુદ્ધ ફરિયાદ કરનાર ગાઝિયાબાદ નિવાસી સત્યેન્દ્ર ત્યાગીએ જણાવ્યું હતું કે રેમોએ તેની પાસેથી 2016માં ફિલ્મ માટે પાંચ કરોડ રૂપિયા લીધા હતા. ત્યાગીના જણાવ્યા મુજબ રેમોએ તેને ફિલ્મ રિલીઝ થયા બાદ બમણા પૈસા આપવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી પૈસા પરત કર્યા નથી. સાથે રેમો પર એવો પણ આરોપ લગાવ્યો છે કે રેમોના કહેવા પર ગેંગસ્ટર તેને ધમકી પણ આપી રહ્યા છે.