મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પંગામાં કબડ્ડી કોચની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. અશ્વની અય્યર તિવારી દિગ્દર્શિત આ ફિલ્મમાં તેમનું પાત્ર એકદમ પ્રભાવશાળી હતું, પરંતુ ચાહકો તે ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જેમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે સત્તાવાર રીતે નહીં, પરંતુ એમ કહી શકાય કે પરોક્ષ રીતે તેમણે પોતાની ફિલ્મની ઘોષણા કરી દીધી છે.
રિચાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાની એક નવી તસવીર શેર કરી છે, જેમાં તેણી સિલ્ક કોટનની સાડી અને ચેક્સવાળું બ્લાઉઝ પહેરેલું જોવા મળી રહી છે. જોકે તેણે કેપ્શનમાં આ ફિલ્મ વિશે કંઇ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રિચાની આગામી ફિલ્મનો આ તેનો લુક હોઈ શકે. તસવીરમાં તેણે ગામઠી ઝવેરાત પહેર્યા છે અને એમ કહેવામાં આવી રહ્યું છે કે તેની આગામી ફિલ્મ એક લવ સ્ટોરી ડ્રામા ફિલ્મ હશે.