મુંબઈ : બિગ બોસના 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લા શોની અંદર વિવાદોમાં છવાયેલો રહ્યો હતો. હવે બિગ બોસનું ઘર છોડ્યા પછી પણ તેના નામની ચર્ચા થઈ રહી છે. એક્સ બિગ બોસ વિજેતા શિલ્પા શિંદેએ સિદ્ધાર્થ શુક્લા પર ગંભીર આરોપો લગાવ્યા છે. શિલ્પાનો દાવો છે કે તે વર્ષ 2011 માં સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપમાં હતી, જે ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં સિદ્ધાર્થ શુક્લાએ શિલ્પા શિંદે સાથેના અફેર અંગે જવાબ આપ્યો છે. સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું- ‘હું શિલ્પાને ખૂબ સારી રીતે ઓળખું છું. મને નથી લાગતું કે શિલ્પા એવી વ્યક્તિ છે જે આવા દાવા કરશે. હું હમણાં જ બિગ બોસના ઘરેથી આવ્યો છું, તેથી હું તેના વિશે વધુ જાણતો નથી. મારે પહેલા જાણવાનું રહેશે કે શિલ્પાએ શું કહ્યું છે.
શિલ્પાએ સિદ્ધાર્થ પર કયા આરોપો લગાવ્યા?
એક મુલાકાતમાં શિલ્પા શિંદેએ કહ્યું – ‘સિદ્ધાર્થ પઝેસિવ હતો. કેટલીકવાર, જો મેં સિદ્ધાર્થનો ફોન નહીં ઉપાડ્યો, તો મને ઉંધી – સીધી વાતો અને કમેન્ટ સાંભળવા મળતી હતી. પરંતુ જો હું તેના પર સવાલ કરતી હતી, તો મને ચાર થપ્પડ પડતા હતા. અપશબ્દો સાંભળવા પડતા હતા. મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કારણ કે તેણે મને કહ્યું હતું – મને છોડીને બતાવ, તારા મોં પર એસિડ ફેંકી દઈશ. હું તને બરબાદ કરી નાખીશ. ખૂબ હિંસા થઈ, મારપીટ થઈ.’