મુંબઈ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે, શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાં આ દિવસોમાં છૂટાછેડાના વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કારણ કે શિક્ષણ અને સમૃદ્ધિ ઘમંડનું કારણ બની રહ્યું છે, જે પરિવારોને તોડી રહ્યું છે. અભિનેત્રી સોનમ કપૂરે મોહન ભાગવતનાં આ નિવેદન વિશે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે આ પ્રકારનું નિવેદન કોણ આપી શકે? આ નિવેદન મૂર્ખતાપૂર્ણ છે. સોનમના આ ટ્વીટ પર જોરદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો સોનમની તરફેણમાં છે અને કેટલાક એમ પણ કહી રહ્યા છે કે મોહન ભાગવતે કોઈ વિષય પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. સોનમે આવી ભાષા કેમ વાપરી. જેમ સોનમને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે, તેમ મોહન ભાગવતને પણ છે.
મોહન ભાગવતે કહ્યું હતું કે, આ દિવસોમાં છૂટાછેડાના કેસોમાં ઘણો વધારો થયો છે. લોકો નિરર્થક મુદ્દા પર લડી રહ્યા છે. શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાં છૂટાછેડાના કિસ્સા વધુ છે, કારણ કે શિક્ષણ અને સમૃદ્ધતાના ઘમંડને કારણે પરિવારો છૂટા પડે છે અને તે તૂટી રહ્યા છે. આનાથી સમાજ પણ ખંડિત થાય છે, કારણ કે સમાજ પણ એક પરિવાર છે.