વિશ્વાસ નથી થતો કે ‘તેરે બિન લાદેન’ જેવી ફિલ્મ બનાવનાર અભિષેક શર્માની આ ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ આટલી ખરાબ હશે. આ ફિલ્મ પાછળ સમય, પૈસા તથા એનર્જી વેસ્ટ થતી હોય તેમ લાગે છે. પશ્ચિમમાં તો બેસ્ટ સેલર બુક્સમાંથી ઉત્તમ ફિલ્મ બનાવવામાં આવે છે પરંતુ અહીંયા અનુજા ચૌહાણના પુસ્તક પરથી બનેલી ફિલ્મ એકદમ બકવાસ છે. ફિલ્મમાં માત્ર સિદ્ધુની મિમિક્રી કંઈક અંશે રાહત આપે છે. ફિલ્મમાં શાહરુખ ખાનનો અવાજ પણ બેકગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે. જોકે, તે પણ ફિલ્મને એન્ટરટેઈનિંગ બનાવી શક્યો નહીં. કપૂર પરિવારના ત્રણ કલાકારો સોનમ, અનિલ તથા સંજય ફિલ્મમાં છે. ફિલ્મનો પ્લોટ જ સફળતાની ક્રેડિટ નસીબને આપવી કે મહેનતને તેની વચ્ચે જ ફંગોળાતો રહ્યો.
કેવી છે સોનમ કપૂરની ફિલ્મ?
ફિલ્મની એક્ટ્રેસ ઝોયા સોલંકી તે વ્યક્તિ છે, જેના નસીબ તથા હાજરીથી ટીમ ઈન્ડિયા મેચ જીતવા લાગે છે. આથી જ ક્રિકેટ બોર્ડ ઝોયાને ટીમની લકી ચાર્મ બનાવવાનો કોન્ટ્રાક્ટ કરે છે. ઝોયાના પિતા તથા ભાઈ આર્મીમાં છે પરંતુ ક્રિકેટના જબરજસ્ત ફૅન છે. આ બંને ક્રિકેટના એવા રસિયા છે, જે આખી ફિલ્મમાં યુદ્ધના મેદાનમાં એકવાર પણ જોવા મળ્યાં નથી પરંતુ ટીવી આગળ ક્રિકેટ જોતા જોવા મળે છે. સંયોગથી ટીમ વર્લ્ડકપના ફાઈનલ સુધી પહોંચે છે. ફિલ્મનો નાયક નિખીલ ખોડા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. ડ્રેસિંગ રૂમમાં કેપ્ટન બનવાની ઈચ્છા રાખનાર રોબિન સાથે નિખીલના ઈગો ક્લેશ થાય છે. નિખીલ માને છે કે સફળતા મહેનતથી મળે છે, નસીબથી નહીં. શરૂઆતના ઈન્કાર બાદ નીખિલ તથા ઝોયા એકબીજાને પ્રેમ કરવા લાગે છે. જોકે, હજી પણ નિખીલ એમ જ માને છે કે ઝોયા ટીમની સાથે હોય તો ખેલાડીઓનો આત્મવિશ્વાસ ડગમગવા લાગશે. ખેલાડીઓ મહેનતને બદલે નસીબ પર ભરોસો કરવા લાગશે. જોકે, નિખીલનું કંઈ જ ચાલતુ નથી. ક્રિકેટ બોર્ડ લકી ચાર્મ ઝોયાને ટીમની સાથે જ રાખે છે. અંતે, શું થાય છે, તે માટે ફિલ્મ જોવી પડશે.
વિશાલ ભારદ્વાજ જ્યારે ‘જબ મટરુ કી બિજલી કા મન્ડોલા’ લઈને આવ્યા હતાં ત્યારે એ અહેસાસ થયો કે તેમણે કમ્યુનિઝમના આડંબર પર કટાક્ષ કર્યો છે. અહીંયા અભિષેક શર્માએ નસીબ પર કટાક્ષ કરવાના ચક્કરમાં ફિલ્મને મજાક બનાવીને મૂકી દીધી. ક્રિકેટને ભારતમાં ધર્મનું સ્થાન આપવામાં આવ્યું છે, તે ક્રિકેટના ખેલાડીઓના ડુપ્લીકેટ્સ મેદાનમાં જોવા મળ્યાં છે. આ ડુપ્લીકેટ્સ પણ સાવ ભંગાર છે. શિવિ એ છે, જે શિખર ધવનનું રાઈટ હેન્ડેડ વર્ઝન છે. રોબીનનો અંદાજ કેવિન પીટરસન જેવો છે. સચિનના ડુપ્લીકેટને તો મેદાનમાં લાવવા જેવો જ નહોતો. હેરી, ઝાહિદ, બાલાની બોડી લેંગ્વેજથી લઈને ટેમ્પરામેન્ટ ટીમ ઈન્ડિયાના એક પણ પ્લેયર જેવું લાગતું નથી. બધા જ નસીબને આધારે જીવતા હોય તેવા લાગે છે. રોબિનના મામા એટલે કે ક્રિકેટ બોર્ડના સિલેક્ટર જોગપાલ તો રાજીવ શુક્લાના બોડી ડબલ લાગે છે. ઝોયાના પિતા મિસ્ટર સોલંકી અને ભાઈ જોરાવર સોલંકીનું કામ તો બસ ક્રિકેટ જોવાનું જ છે. આ બંનેને જોઈને લાગે કે ખબર નહીં આ કઈ દુનિયામાંથી આવ્યા છે.
ફિલ્મ ના તો ભાવુક કરે છે અને ના તો કોઈ પર વ્યવસ્થિત રીતે કટાક્ષ કરે છે. મહેનત તથા નસીબ વચ્ચેની દલીલમાં તે અસરકારક રીતે સ્ટેન્ડ પણ લઈ શકતી નથી. સંગીત એકદમ સામાન્ય છે. સોનમ કપૂર, દુલકર સલમાન, સંજય કપૂર, સિકંદર ખેર, અંગદ બેદી, મનુ ઋષિ તમામના અભિનય પણ ખાસ નથી. ડિરેક્ટર તથા રાઈટરની દાનત એવી છે કે તેઓ ક્રિકેટના નામ પર કંઈ પણ આપવા માગે છે અને એમ માની લે છે કે ઓડિયન્સ સ્વીકારી લેશે.