મુંબઈ : લોકડાઉનમાં શહેરોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને મદદ કરી રહેલા સોનુ સૂદના બધે જ વખાણ થઈ રહ્યા છે. તેમની ઉમદા પહેલને સેલેબ્સ, રાજકારણીઓ અને જનતાનો ટેકો મળ્યો છે. પરંતુ સેનાના મુખપત્ર સામનામાં સંજય રાઉતે જે રીતે સોનુ સૂદની ટીકા કરી તેના પર ભારે હંગામો થયો હતો. સંજય રાઉતે કહ્યું હતું કે, સોનુ સૂદની સ્થળાંતર કરનારાઓને મદદ રાજકીય પ્રેરિત હતી.
સંજય રાઉતનાં આ નિવેદન પર હવે સોનુ સૂદની પ્રતિક્રિયા પ્રકાશમાં આવી છે. સોનૂ સૂદે મીડિયા સાથે ખાસ વાતચીતમાં કહ્યું- હું કોઈના ખાતર કંઇ કરી રહ્યો નથી. હું ફક્ત સ્થળાંતર કરનારાઓ માટે કંઈક કરવા માંગતો હતો. સંજય રાઉત એક સારા વ્યક્તિ છે અને હું તેમનું ખૂબ સન્માન કરું છું. ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સાથેની મુલાકાત સારી રહી. મારે રાજકારણમાં જોડાવાનો કોઈ ઇરાદો નથી. હું એક એક્ટર તરીકે મારા કામની મજા લઇ રહ્યો છું. હાલ મારી પાસે કરવા માટે ઘણું છે.