શ્રીદેવી પંચમહાભૂતમાં વિલિન થઈ ગયાં છે. તેમના પતિ બોની કપૂરે તેમની ચીતાને મુખાગ્નિ આપી. વિલે પાર્લેના સ્મશાન ઘાટ પર દક્ષિણ ભારતીય વિધિથી શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સ્મશાનમાં બોલિવુડના મોટાભાગના સ્ટાર્સ ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં શ્રીદેવીના ચાહકો પણ ઉપસ્થિત છે.
તમિલનાડુથી આવેલા પંડિતો કરશે વિધિ
શ્રીદેવીની અંતિમ વિધિ માટે તમિલનાડુથી પંડિતોને બોલાવવામાં આવ્યા છે.આ પંડિતો સ્મશાન ભૂમિ પહોંચી ચૂક્યા છે. શ્રીદેવી પોતે દક્ષિણ ભારતીય હતાં, અને તેમની અંતિમ વિધિ પણ દક્ષિણ ભારતીય ઢબે જ થશે.
સ્વ. શ્રીદેવીની સ્મશાન યાત્રા વિલે પાર્લે સ્મશાન ગૃહ પહોંચી ચૂકી છે. અહીં જ તેમના અંતિમ સંસ્કાર થવાના છે. હજારો ચાહકો પણ શ્રીદેવીની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. સ્મશાનમાં પણ બોલિવુડની વિવિધ હસ્તીઓ પહોચી ચૂકી છે.
બોલિવુડની પહેલી મહિલા સુપરસ્ટારની અંતિમ યાત્રામાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે, દૂરદૂર સુધી બસ માણસોની ભીડ જ દેખાતી હતી. થોડીવારમાં જ શ્રીદેવી પંચમહાભૂતોમાં વિલિન થઈ જશે.
શ્રીદેવીના મૃતદેહને અંતિમ વિધિ પહેલા સોળે શણગાર કરવામાં આવ્યા હતા. ચિરનિંદ્રામાં પોઢી ગયેલા એક જમાનાના આ જાજરમાન અભિનેત્રીની આ તસવીર કોઈને પણ હચમચાવી દે તેવી છે.
અંતિમ દર્શન માટેનું આયોજન
શ્રીદેવીની દીકરી ખુશી, જાહ્નવી, બોની કપૂર, સમૂચે કપૂર અને અયપ્પા પરિવાર તરફથી જારી કરાયેલી નિવેદનમાં મીડિયાને સંવેદનશીલતા અને ભાવુક ક્ષણોમાં સમર્થન કરવા માટે આભાર માનવામાં આવ્યો ચે. તેમાં કહેવામાં આવ્યું છે કે શુભચિંતકો સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ, ગાર્ડન નંબર-5 લોખંડવાલા પરિસર, અંધેરી પશ્ચિમમાં સવારે સાડા નવ વાગ્યાથી બપોરના સાડા 12 વાગ્યા સુધી પોતાની સંવેદના વ્યક્ત કરી શકે છે. પરિવારે કહ્યું કે મીડિયા પણ પોતાનું સમ્માન વ્યક્ત કરી શકે છે, શરત એટલી કે કેમેરા, રેકાર્ડિંગ ઉપકરણ વગેરે સંબંધિત સ્થળથી બહાર રાખે.
બાથટબમાં થયું મૃત્યું
ભારતીય સીનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે ઓળખાતી દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી (54)નું નિધન પાછલા શનિવારે રાત્રે દુબઈમાં એક હોટલમાં આકસ્મિક રીતે બાથટબમાં ડૂબવાથી થયું હતું. તે પોતાના પરિવારની સાથે ત્યાં બોની કપૂરના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન સમારોહના બે દિવસ પછી આ અકસ્માત થયો.
ત્રણ દિવસે પાર્થિવ દેહ ભારત આવ્યો
જરુરી કાયદાકીય કાર્યવાહીને પૂર્ણ કરવામાં અને તપાસના કારણે શ્રીદેવીનો પાર્થિવ દેહ 3 દિવસ પછી મંગળવારે રાત્રે દુબઈથી મુંબઈ લાવાયો છે. બોલિવૂડ ફિલ્મો, મિસ્ટર ઈન્ડિયા, નાગીન, સદમા, ચાંદની અને ખુદા ગવાહમાં પોતાના દમદાર અભિનયથી લોકપ્રિયા થયેલી શ્રીદેવીએ 2012માં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં શાનદાર પૂનરાગમન કર્યું હતું.