બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું હૃદય રોગના હુમલા બાદ દુબઈમાં નિધન થયું છે. શ્રીદેવીએ દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતાં. 54 વર્ષીય શ્રીદેવીના અવસાનથી પતિ બોની કપૂરને ઘેરો આઘાત લાગ્યો છે. તે વાત કરવાની સ્થિતિમાં નથી. તો દીકરી ખુશી પણ માના જવાથી એકદમ હેબતાઈ ગઈ છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ રવિવાર(25 ફેબ્રુઆરી)ના રોજ મોડી રાતે એટલે કે બેથી ત્રણની વચ્ચે મુંબઈ આવશે. દીકરી જાહન્વી પણ માતાના નિધનના સમાચાર સાંભળીને ભારતથી દુબઈ જતી રહી હતી.
બપોરના એક વાગે અંતિમ સંસ્કારઃ
મોડી રાત્રે બેથી ત્રણની વચ્ચે શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત આવશે. મુંબઈમાં શ્રીદેવીના પાર્થિવ દેહને બોની કપૂરની ઓફિસે લઈ જવામાં આવશે. અહીંયા સવારે સાતથી 10 વાગ્યા સુધી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. બપોરના એક વાગે વીલે પાર્લેના પવનહંસ ખાતે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પોસ્ટમોર્ટમ પૂર્ણઃ
શ્રીદેવીનું કુદરતી મોત હતું તેમ છતાંય પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પરિવારને પાર્થિવ દેહ સોંપ્યા બાદ પ્રાઈવેટ જેટમાં શ્રીનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવશે. ભારતમાં આવ્યા બાદ શ્રીદેવીનો પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે.
24મીના રાતના 11 વાગે થયું નિધનઃ
શ્રીદેવીએ દુબઈના અમીરાત ટાવરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાતના 11 વાગે શ્રીદેવી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્રીદેવીનું નિધન થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ફોરેન્સિક એક્સપર્ટ્સને સોંપવામાં આવ્યો હતો અને સોનાપુરમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ કર્યાં બાદ શ્રીનો પાર્થિવ દેહ અલ Qusais માં રાખવામાં આવ્યો હતો.