પ્રખ્યાત અભિનેત્રી અને લાખો દીલોની મલ્લીકા શ્રીદેવીની અસ્થિઓનું વિસર્જન રામેશ્વરમમાં કરાશે. હિંદુ પરંપરા મુજબ અસ્થિ વિસર્જનનું ખુબજ મહત્વ રહેલુ હોવાથી શ્રીદેવીના પતિ બોની કપુર તેમના હાથે અસ્થિ વિસર્જન રામેશ્વરમમાં કરશે.
24 ફેબ્રુઆરીના રોજ દુબઇ ખાતે શ્રીદેવીનું 54 વર્ષની વયે નિધન થયું હતું. તમામ તપાસ બાદ 27 ફેબ્રુઆરીના રોજ તેમનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીના રોજ રાજકીય સન્માન સાથે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના અચાનક થયેલા નિધનથી દેશભરમાં શોકનો માહોલ હતો. શ્રીદેવીના લાખો ચાહકોને તેમના નિધનના સમાચારથી આધાત લાગ્યો હતો અને હજારો લોકો તેમની અંતિમ યાત્રામાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત શોકાતુર મુંબઇવાસીઓએ હોળીનો તહેવાર ન ઉજવવાનો નિર્ણય લીધો હતો જેના કારણે શ્રીદેવી જ્યાં પોતાના પરિવાર સાથે રહેતી હતી તે ગ્રીન એકર સોસાયટી સહિત મુંબઇની અનેક સોસાયટીઓમાં હોળીની ઉજવણી કરવામાં આવી ન હતી. સુપરસ્ટાર બચ્ચન પરિવાર ખુબજ ધામધુમથી હોળીની ઉજવણી કરે છે અા વખતે શોકના કારણે જલસામાં પણ સાદગીથી હોળીની ઉજવણી કરવામાં અાવી હતી.