વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રવિવારે બોલિવૂડના સ્વર્ગસ્થ એક્ટ્રેસ શ્રીદેવી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું. શ્રીદેવીની સાથે સાથે તેમણે અક્ષય કુમાર પર પણ પ્રહાર કર્યા હતા.
રાજ ઠાકરેએ કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુ દારૂ પીવાને કારણે થયું હતું. તેમને ત્રિરંગામાં લપેટીને રાજકીય સન્માન આપવું ત્રિરંગાનું અપમાન છે. શ્રીદેવીએ દેશહિત માટે કયું કામ કર્યુ હતું? અભિનેત્રી હતા અને પ્રખ્યાત પણ હતા, પરંતુ એવુ કયું મહાન કામ કર્યું હતું કે તેમના મૃતદેહને ત્રિરંગામાં લપેટવામાં આવ્યો? તમે કહો છો કે તે પદ્મશ્રીથી સન્માનિત હતા માટે આ સન્માન આપવામાં આવ્યું. આ મહારાષ્ટ્ર સરકારની ભૂલ છે.
પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ જણાવ્યું કે, મીડિયાએ શ્રીદેવીના મૃત્યુના સમાચારને આટલા મોટા પ્રમાણમાં બતાવ્યા કારણકે દેશનું ધ્યાન નીરવ મોદી પ્રકરણથી હટી શકે. ઠાકરે આ પહેલા વડપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી ચુક્યા છે અને તેમણે કહ્યું હતું કે 2019માં મોદી મુક્ત ભારતનો સમય આવી ગયો છે.
રાજ ઠાકરેએ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની નાગરિકતા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, અક્ષય કુમારે કેનેડાની નાગરિકતા લઈ રાખી છે. મીડિયા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આજની મીડિયા સરકારના પ્રેશરમાં કામ કરી રહી છે. જેટલા સમાચાર શ્રીદેવીના મૃત્યુ પર બતાવવામાં આવ્યા, તેટલા જજ લોયાના મૃત્યુ પર આવ્યા? શ્રીદેવીનું મૃત્યુ શંકાસ્પદ હતું તો જજ લોયાનું મૃત્યુ પણ શંકાસ્પદ અવસ્થામાં થયુ હતું.