સુપ્રીમ કોર્ટે સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતી’ની રીલિઝ પર રોક લગાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, સેન્સર બોર્ડે હજુ આ ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી. તે એક સ્વાયત્ત સંસ્થા હોવાથી સુપ્રીમ કોર્ટ તેના અધિકાર ક્ષેત્રમાં દખલ દઈ શકે નહીં. રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે ચેડા કરવાનો આરોપ મુક્યો છે.
ગુજરાત બીજેપીએ કહ્યું હતું કે, ફિલ્મ ક્ષત્રિય સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. આથી ફિલ્મ રીલિઝ પહેલા પાર્ટીના રાજપૂત પ્રતિનિધિઓને બતાવવી જોઈએ. આમ કરવાથી ફિલ્મ રીલિઝમાં સહેલાઈ રહેશે અને તણાવથી પણ બચી શકાશે.
આ ફિલ્મમાં પદ્મિની અને ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યા હોવાથી તેની ભાવનાને ઠેસ પહોંચી છે. આ કારણે ઘણા સમયથી તેનો વિરોધ થઈ રહ્યો છે. શૂટિંગ સમયે રાજપૂત કરણી સેનાએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યું હતું.
સંજય લીલા ભણશાલીએ કહ્યું હતું કે તેમણે ફિલ્મ ‘પદ્માવતી’ ઘણી જ ઈમાનદારી, મહેનત તથા જવાબદારીપૂર્ણ રીતે બનાવી છે. તે હંમેશા રાણી પદ્માવતીથી પ્રભાવિત થયા છે.