શનિવારે રાત્રે બોલિવુની ચુલબુલી, ટેલેન્ટેડ અને સુંદર એક્ટ્રેસ શ્રીદેવીનું આકસ્મિક અવસાન થઈ જતા સમગ્ર બોલિવુડ અને ચાહકો હતપ્રભ થઈ ગયા હતા. માત્ર 54 વર્ષની ઉંમરે શ્રીદેવીનું મૃત્યુ થઈ જતા ચાહકોમાં શોકની લહેર છે. સ્વાભાવિક છે કે શ્રીદેવીના મૃત્યુનો સૌથી મોટો આઘાત તેમના પરિવારને લાગ્યો છે. તેની દીકરી જ્હાન્વી કપૂરને આજીવન વસવસો રહી જશે કે માતાની અંતિમ ક્ષણોમાં તે માતા સાથે નહતી. શ્રીદેવી પતિ બોની કપૂર અને પુત્રી ખુશી સાથે ફેમિલી વેડિંગ એટન્ડ કરવા દુબઈ ગઈ હતી પરંતુ જ્હાન્વી તેની ડેબ્યુ ફિલ્મ ધડકનું શૂટિંગ ચાલુ હોવાથી મુંબઈમાં જ હતી. શ્રીદેવીના મોતની ખબર મીડિયામાં આવી ત્યારે જ્હાન્વીને આ આઘાતજનક સમાચાર સૌથી પહેલા કરણ જોહરે આપ્યા હતા. બોલિવુડ લાઈફ વેબસાઈટના રિપોર્ટ અનુસાર કરણ જોહર શ્રીદેવીની મૃત્યુના સમાચાર સાંભળીને જ્હાન્વીના ઘરે ગયો અને ત્યાંથી જ્હાન્વીને કાકા અનિલ કપૂરના ઘરે લઈ ગયો. શ્રીદેવીએ પોતાની દીકરી જ્હાન્વીના ડેબ્યુ માટે કરણ જોહર પર વિશ્વાસ મૂક્યો હતો. તે પોતાની દીકરીને સિલ્વર સ્ક્રીન પર જોવા માંગતી હતી. પરંતુ શ્રીદેવીના મૃત્યુ બાદ તેની આ ઈચ્છા અધૂરી રહી હઈ હતી. જ્હાન્વી ફિલ્મોમાં ડેબ્યુ કરે એ પહેલેથી જ તેની સરખામણી તેની માતા શ્રીદેવી સાથે થવા માંડી છે. ઈન્ટરવ્યુમાં શ્રીદેવીએ જ્હાન્વીની તેની સાથે તુલના અંગે ખૂલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને એ વાતનો અહેસાસ છે કે સરખામણી થશે અને તેમને એ વાતથી ડર પણ લાગે છે. પરંતુ તે જાણે છે કે સરખામણી થવાની જ છે આથી તે જ્હાન્વી અને પોતાની જાતને તેના માટે તૈયાર કરે છે. જ્હાન્વીનો પ્રથમ બોલિવુડ પ્રોજેક્ટ ફાઈનલ કરવામાં શ્રીદેવીની મહત્વની ભૂમિકા હતી. ધર્મા પ્રોડક્શનના બેનરમાં બની રહેલી ધડકમાં જ્હાન્વી સામે ઈશાન ખટ્ટર છે. શ્રીદેવી દીકરીના બોલિવુડ ડેબ્યુ અંગે ખાસ્સી ગંભીર હતી. તે ઈચ્છતી હતી કે જ્હાન્વી પણ બોલિવુડમાં તેની જેમ જ નામ કમાય. જણાવી દઈએ કે ધડક મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેક છે. તે કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સના બેનરમાં બની રહી છે. આ ફિલ્મ 20 જુલાઈ 2018ના રોજ રીલીઝ થવાની છે. તેમાં ઈશાન અને જ્હાન્વીની રોમેન્ટિક જોડી જોવા મળશે. ઈન્ડસ્ટ્રીમાં બધાની નજર આ બંનેની કેમિસ્ટ્રી પર છે. પરંતુ દુઃખની વાત એ છે કે જે વ્યક્તિ આ ફિલ્મની સૌથી આતુરતાથી રાહ જોઈ રહી હતી તે જ આ દુનિયામાં નથી રહી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.