એક્ટર સંજય દત્તે વાલ્કેશ્વર સ્થિત બેંક ઓફ બરોડાની બ્રાંચને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. જેમાં માલાબાર હિલની રહેવાસી નિશી હરિશ્ચંદ્ર ત્રિપાઠી તરફથી વારસામાં મળેલી રકમ તેના પરિવારને પરત આપવા વિનંતી કરી. રસપ્રદ બાબત એ છે કે, જ્યાં સુધી સંજય દત્તને 29 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાંથી આ અંગે જાણ કરતો ફોન ન આવ્યો ત્યાં સુધી નિશી ત્રિપાઠી કોણ છે તે અંગે અજાણ હતા. પોલીસે દત્તને જણાવ્યું કે, 15 દિવસ પહેલાં મૃત્યુ પામનારી નિશીએ પોતાના બેંકમાં રહેલા નાણાં અને ડિપોઝીટ તેમના નામે કરી છે. 62 વર્ષની મૃતક નિશી ત્રિપાઠી સંજય દત્તની ખૂબ મોટી પ્રશંસક હતી તેમ પોલીસે જણાવ્યું. નિશીના પરિવારને પણ આઘાત લાગ્યો જ્યારે તેમને નિશીની વસિયત અંગે જાણ થઈ. જો કે નિશીના મૃત્યુ બાદ બેંકના લોકર હજુ પણ કાયદાકીય કાર્યવાહીને લઇને લોક છે. સંજય દત્તના વકીલે સુભાષ જાધવે સ્પષ્ટ કર્યું છે કે, ત્રિપાઠીની મિલકતમાંથી સંજય દત્તને કશું જ નથી જોઇતું. ત્રિપાઠીની તમામ મિલકત તેમના પરિવારને સોંપવામાં આવે. અમારા સહયોગી મુંબઇ મિરરને મળેલી જાણકારી પ્રમાણે, માંદગી સામે લડતાં લડતાં મૃત્યુ પામનારી નિશી પોતાના 80 વર્ષીય માતા અને ત્રણ ભાઈ-બહેન સાથે રહેતી હતી. આ પરિવાર માલાબાર હિલ સ્થિત ત્રિવેણી અપાર્ટમેંટમાં રહે છે. જેની કિંમત 10 કરોડથી વધારે છે. વાલ્કેશ્વરની બેંક ઓફ બરોડાના પ્રતિનિધિએ નિશીના મૃત્યુ બાદ દત્તના વકીલ અને ત્રિપાઠી પરિવારને નિશીએ સોંપેલા નોમિનેશનની વિગતવાર માહિતી આપી, જે નિશીએ તેના મોતના થોડા મહિનાઓ પહેલા કર્યું હતું. બેંકના જણાવ્યા પ્રમાણે નોમીની તરીકે ‘ફિલ્મ સ્ટાર સંજય દત્ત’નું નામ અને સંજય દત્તના પાલી હિલ સ્થિત ઘરનું સરનામું આપ્યું હતું. એ પણ જાણવા મળ્યું કે અન્ય કેટલીક કિંમતી વસ્તુઓ પણ નિશીએ દત્તના નામે કરી હતી.
સંજય દત્તના વકીલ જાધવે જણાવ્યું કે, સંજય દત્ત નિશીની કોઇ પણ મિલકત પર દાવો નહીં કરે અને તમામ સંપત્તિ નિશીના પરિવારને પરત આપવા માટે જરૂરી તમામ કાર્યવાહી કરશે. અમારા સહયોગી મુંબઇ મિરરના સંવાદદાતાએ ગઈકાલે ત્રિપાઠી પરિવારની મુલાકાત લીધી. પરંતુ પરિવારે આ મામલે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો. પરિવારના વકીલે પણ આ મામલે કોઇ ટિપ્પણી ન કરી. સંજય દત્તના વકીલે કહ્યું કે પરિવારને તેમની સંપત્તિ પાછી અપાવવા સંજય દત્ત તેમના તરફથી જોઇતી તમામ મદદ કરવા તૈયાર છે.