Salman Khan: સલમાન ખાનને ધમકી આપનાર ગીતકાર નીકળ્યો, ધમકી પાછળનું કારણ પણ સામે આવ્યું
Salman Khan બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની પોલીસે મંગળવારે ધરપકડ કરી છે. તેણે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી અને 5 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. હવે તેની ઓળખ જાહેર કરવામાં આવી છે. તે લોરેન્સ બિશ્નોઈની ગેંગનો સભ્ય નથી પરંતુ તે ગીતકાર છે. તે યુટ્યુબર પણ છે. તેણે તપાસ દરમિયાન અનેક મોટી વાતો જણાવી છે. તેણે સલમાન ખાનને શા માટે ધમકી આપી તેનું કારણ હવે સામે આવ્યું છે.
ગીતકાર એ જ નીકળ્યો જેણે સલમાન ખાનને ધમકી આપી હતી
પોલીસે આરોપીની કર્ણાટકના રાયચુરથી ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે ‘ભાઈજાન’ને ધમકી આપનાર ગીતકારનું નામ સોહેલ પાશા છે, જે 23 વર્ષનો યુટ્યુબર છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનનો જાનનો જોખમમાં હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં પોલીસ 24 કલાક સલમાન ખાનની સુરક્ષા પર ચાંપતી નજર રાખી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાશાએ કથિત રીતે 7 નવેમ્બરના રોજ સલમાન ખાનને ધમકીભર્યા સંદેશા મોકલ્યા હતા અને તેની પાસેથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી માંગી હતી. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, “સલમાન અને લોરેન્સ પર એક ગીત લખવામાં આવ્યું છે. ગીત લખનારને એક મહિનામાં મારી નાખવામાં આવશે. તેની હાલત એવી થઈ જશે કે તે પોતાના નામે ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો પોતાને બચાવી લે.
આરોપીએ પોલીસને ધમકી આપવાનું સાચું કારણ જણાવ્યું
પોલીસે વધુમાં જણાવ્યું છે કે આરોપી ઇચ્છતો હતો કે તેણે લખેલું ગીત ‘મેં સિકંદર હૂં’ પ્રખ્યાત થાય. આ જ ઈરાદાથી તેણે સલમાન ખાનને ધમકી આપી હતી. તેનો હેતુ બીજું કંઈ ન હતો. તે માત્ર પ્રખ્યાત થવા માટે આવું કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સલમાન ખાનના ખૂબ જ નજીક રહેલા બાબા સિદ્દીકીને ગોળી વાગી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાની સંપૂર્ણ જવાબદારી લીધી અને કહ્યું કે સલમાન ખાન સાથે વધુ ખરાબ થશે. ત્યારથી પોલીસ સલમાન ખાનને 24 કલાક સુરક્ષા આપી રહી છે.