પ્રેમની કોઇ ભાષા નથી હોતી અને તેને દેશ, ધર્મ કે સમયના સિમાડાઓ નડતા નથી. કેટલાક પ્રેમીઓ ઇતિહાસના પાના પર અમર થઇ ગયા છે. હીર-રાંઝા, લૈલા-મજનુ, શીરી ફરહાદ, રોમીયો જુલીયેટ, આ બધાનો પ્રેમ અમર થઇ ગયો છે. લોકો આજે પણ તેમની પ્રેમ કથાઓ વાંચે, સાંભળે અને જુએ છે. પ્રેમની દુનિયામાં એક કવિયત્રીનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે અને તે છે અમૃતા પ્રિતમ.
31 ઑગષ્ટ 1919નાં રોજ પંજાબનાં ગુજરાનવાલામાં જન્મેલા અમૃતાનું બાળપણ લાહોરમાં વિત્યું હતુ અને તેમણે ત્યાં જ શિક્ષણ લીધું હતુ. તેમને બાળપણથી લખવાનો શોખ હતો. માનવામાં આવે છે કે તેઓ પંજાબી ભાષાનાં પ્રથમ કવિયત્રી હતા. સમયથી આગળનાં વિચારો રાખનાર અમૃતા પ્રિતમે સમાજ માટે ક્યારેય પોતાને બદલ્યા નહોતા. કવિ અને ગીતકાર સાહિર લુધિયાનવી સાથેનાં તેમના પ્રેમની ચર્ચાઓ આજે પણ છે અને તેમણે આ વાતને છુપાવી પણ નહોતી.
અજનબી તુમ મુઝે જીંદગી કી શામમેં ક્યો મિલે, મિલના થા તો દોપહર મેં મિલતે – અમૃતા પ્રિતમ
અમૃતા પ્રિતમની લાઈફ આમ તો અનેક તાણાવાણા સાથે જોડાયેલી રહી હતી. તેમના લગ્ન પ્રિતમસિંગ સાથે થયા હતા. બાદમાં તેમણે પ્રિતમસિંગને ત્યજી દીધા હતા અને સાહિર લુધિયાનવી સાથે વર્ષો સુધી સાથે રહ્યા. પણ અચાનક સાહિરની જીંદગીમાં સિંગર સુધા મલ્હોત્રાની એન્ટ્રી થઈ અને સાહિરે અમૃતાને તરછોડી તો અમૃતાને ઈમરોઝનો સાથ મળ્યો અને આ સાથ મરણોપરાંત બરકરાર રહ્યો. અમૃતા સાહિરને પ્રેમ કરતા હતા અને ઇમરોઝ અમૃતાને આ ત્રણેનું જીવન અધુરૂ હોવા છતાં પુરુ હતુ અને ત્રણે એકમેકના પુરક હતા.
જહાં ભી આઝાદ રૂહ કી ઝલક પડે, સમજના વો મેરા ઘર હૈ – અમૃતા પ્રિતમ
અમૃતા સાહિરને બેપનાહ પ્રેમ કરતા હતા. સાહિર ચેઇન સ્મોકર હતા આથી અમૃતા સાહિરના હોઠોના નિશાનને મહેસુસ કરવા માટે સાહિરે ફેંકેલી સિગરેટના બટને પોતાના હોઠથી લગાવતા હતા અને તેને પીવાની કોશીશ કરતા હતા. આમ કરતાં કરતાં તેઓને સીગરેટ પીવાની ટેવ પડી ગઇ હતી.
તો અમૃતાને પ્રેમ કરતાં ઇમરોઝે એક વખત અમૃતાને લગ્ન કરવા માટે કહ્યું ત્યારે અમૃતાએ કહ્યું કે આખી દુનિયા ફરી લે અને પછી પણ એવું લાગે કે મારી સાથે લગ્ન કરવા છે તો હું અહીં તારી રાહ જોતી મળીશ. ઇમરોઝે રૂમમાં સાત ચક્કર કાપીને અમૃતાને કહ્યું કે દુનિયા આખી ફરી આવ્યું મારે તારી સાથે બાકીનું જીવન વિતાવવું છે.
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
शायद तेरे कल्पनाओं
की प्रेरणा बन
तेरे केनवास पर उतरुँगी
– अमृता प्रीतम
સમગ્ર જીવન અમૃતા અને ઇમરોઝ એક જ ઘરમાં રહ્યા તેઓ શબ્દો કરતાં આંખોથી વધુ વાતો કરતાં હતા. ઘરમાં અમૃતા મોડી રાત સુધી લખતા રહેતા અને ઇમરોઝ તેઓ માટે ચા બનાવીને હળવેકથી તેમના ટેબલ પર મુકી જતાં રહેતા હતા. ઇમરોઝ અમૃતાને સ્કુટર પર ફેરવવા માટે લઇ જતા અને પોતાની આંગળીઓથી તેઓ ઇમરોઝની પીઠ પાછળ લખતા રહેતા હતા ઇમરોઝને પણ ખબર હતી કે તે નામ સાહિરનું છે. અમૃતાને જીવનના છેલ્લા દિવસોમાં હરવા ફરવામાં બહુ મુશ્કેલી પડતી હતી પરંતુ ત્યારે પણ ઇમરોઝે તેઓને ફેરવવા, જમાડવાથી લઇને નવડાવવા સુધીની જવાબદારી સુપેરે અદા કરી. અમૃતાએ 31 ઓકટોબર 2005માં 86 વર્ષની ઉંમરે આ જગતને અલવિદા કહ્યું.
અમૃતા પ્રિતમે લગભગ 100 કરતા વધુ પુસ્તકો લખ્યા. જેમાં કવિતા, નિબંધ અને નવલકથાઓનો સમાવેશ થાય છે. પંજાબી ભાષામાં સાહિત્યક્ષેત્રે તેઓનું પ્રદાન અનન્ય છે. તેઓ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનારા પ્રથમ લેખિકા હતા. 1969માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા. તેઓએ રેવન્યુ સ્ટેમ્પ નામે પોતાની આત્મકથા પણ લખી છે. આજે ગુગલે પણ ડૂડલ બનાવીને આ આ મુઠી ઉંચેરા કવિયત્રી અમૃતા પ્રિતમને તેમના જન્મ દિવસ યાદ કર્યા છે. આવો એક નજર કરીએ તેઓના કેટલાક ફોટોઝ પર.