મુંબઈઃ કોરોનાકાળમાં ભારતીય મનોરંજન જગતે અનેક દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેવામાં વધુ એક ટેલેન્ટેડ અભિનેતાએ આજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. અમિત મિસ્ત્રીને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું નિધન થયું છે.
અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.
દિગ્ગજ ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યુ. તેમણે લખ્યું કે બે જૂના મિત્રો જેણે મારા જીવનને સંગીતથી તરબોળ કરી દીધું, તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. RIP શ્રવણ રાઠોડ, RIP અમિત મિસ્ત્રી.
ઉલ્લેખનીય છે કે સંગીતના સૂરોથી લોકોના દિલોમાં રાજ કરનારા, સંગીતની દુનિયાનું એક આગવું નામ ધરાવતી જોડીમાંના એક એવા નદીમ શ્રવણ. ચાહકોને હંમેશાં સંગીતકાર નદિમ-શ્રવણનાં ગીતો ગમ્યાં છે. પરંતુ આ જોડીના શ્રવણ રાઠોડ વિશે એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યા છે.
ગુરુવારે મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું મુંબઈની એસેલ રહેજા હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. રાહેજા હોસ્પિટલના ડો. કીર્તિ ભૂષણે આ ખબરની પુષ્ટિ કરી છે. અને જણાવ્યું કે શ્રવણ રાઠોડનું કોરોનાથી મલ્ટીઓર્ગન ફેલ થવાના કારણે નિધન થઇ ગયું છે.