મુંબઈ : બોલીવુડ-ડ્રગ્સ માફિયા તપાસમાં બે આરોપીઓને રાહત આપવા માટે તેમની શંકાસ્પદ ભૂમિકા બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ તેની મુંબઈ ઝોનલ યુનિટમાંથી બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ગુરુવારે સત્તાવાર સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે મીડિયા એજન્સીને જણાવ્યું કે બંને અધિકારીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. નવેમ્બરમાં અનુક્રમે બે આરોપીઓ હર્ષ લિંબાચિયા અને કરિશ્મા પ્રકાશને જામીન અને વચગાળાના જામીન મળ્યા બાદ બંને તપાસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
લિંબાચિયા એ ઉચ્ચ પ્રોફાઇલ ટેલિવિઝન પર્સનાલિટી ભારતી સિંહનો પતિ છે, જ્યારે કરિશ્મા પ્રકાશ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર છે. ગયા મહિને એનસીબી ટીમો દ્વારા હર્ષ લિમ્બાચીયા અને કરિશ્મા પ્રકાશ બંનેના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી થોડી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું.
જોકે ભારતી અને હર્ષની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પાછળથી કરિશ્મા પ્રકાશને તપાસમાં જોડાવા માટે એનસીબીને મોકલવામાં આવેલા સમન્સની અવગણના કરીને, વચગાળાના જામીન મેળવ્યાં હતાં. આ બંને ઘટનામાં બંને અધિકારીઓની કથિત ભૂમિકા હવે શંકાના દાયરામાં છે.
અધિકારીએ સંકેત આપ્યો કે એનસીબીએ આ પગલું ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા આદેશવામાં આવેલી આંતરિક તપાસના પ્રાથમિક અહેવાલ પર ઉઠાવ્યું છે અને સસ્પેન્શન કેસમાં સંપૂર્ણ વિભાગીય તપાસ થાય છે, જેમાં વકીલો સહિત કેટલાક અન્ય લોકોની સંડોવણી પણ જાહેર થઈ શકે છે.