ટીવી એક્ટર કરણ શાસ્ત્રી પર તેની પત્ની સ્વાતિ મેહરાએ દહેજ દમનનો આરોપ લગાવ્યો છે. સ્વાતિના જણાવ્યા અનુસાર કરણ તેને ખૂબ મારતો હતો. તેણે મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. કરણે પોતાના પર લાગેલ આરોપનું ખંડન કરતાં જણાવ્યું કે સ્વાતિ તેનું કરિયર ખરાબ કરવા ઈચ્છે છે.
સ્વાતિ મોડેલ છે અને તેણે પતિ પર આરોપ લગાવ્યો છે કે કરણ દહેજની માગ કરીને તેને મારતો હતો. સ્વાતિના જણાવ્યા મુજબ હાલમાં જ પતિએ તેને એટલી નિર્દયતાથી પીટી હતી કે તેના કાનના પડદા ફાટી ગયા. આટલું જ નહીં તેણે એવો પણ ખુલાસો કર્યો કે આને કારણે કરણે તેને એકલી મૂકી દીધી. તેમનાં લગ્ન ફેબ્રુઆરીમાં થયાં હતાં.
કરણે આરોપને નિરાધાર ગણાવ્યા
દહેજ માટે સતામણી અને મારપીટના પત્નીના આરોપને કરણે નકાર્યા છે. તેણે કહ્યું કે સ્વાતિ તેની ઇમેજને ખરાબ કરવા ઈચ્છે છે માટે આરોપ લગાવી રહી છે. લગ્ન તોડવા બાબતે તેણે કહ્યું કે અમે બંને સાથે નથી રહેતા પણ આ નિર્ણય અમે બંનેએ સહમતિથી લીધો હતો.