77 વર્ષીય અમિતાભ બચ્ચન અત્યારે મનાલીમાં અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે. મનાલીમાં અત્યારે શિયાળો પૂરબહારમાં જામી ગયો છે અને તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. ચારેકોર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. આ હાડ થિજાવતી માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં શૂટિંગ કરવાના પોતાના અનુભવ વિશે બિગ બીએ લખ્યું કે ‘માઈનસ 3 ડિગ્રી… પ્રોટેક્ટિવ ગિઅર અને વર્ક એટિકેટ.’
બ્લોગમાં લખ્યું, -3 ડિગ્રીમાં કામ કરવું અઘરું
બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું કે અત્યારે તેઓ વર્ક શિડ્યુલ માટે મનાલીના જંગલમાં પહોંચી ગયા છે. કામ કરવાની દોડધામ શરૂ થઈ ગઈ છે. બિગ બી લખે છે, ‘ફિલ્મને સમયસર અને પૂરેપૂરી નૈતિકતા સાથે પૂરી કરવાની જવાબદારી સતત માથે ઝળુંબતી હોય છે, અને અમે કોઈપણ જાતના પડકારોની ચિંતા કર્યા વિના તે હાંસલ કરીએ છીએ.’
મનાલીમાં ગાત્રો થિજાવી દેતી ઠંડીમાં કામ કરવા વિશે બચ્ચનમોશાય લખે છે કે માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેવી ઠંડીમાં કામ કરવું અઘરું છે. પરંતુ નાનામાં નાની તમામ જરૂરિયાતો પૂરી કરતી ટીમની હાજરીમાં ઠંડી હવા સામે રક્ષણ, આવી ઠંડીમાં આંખોનું રક્ષણ અને તમામ લોકોનું પ્રદાન અને મહેનત પ્રશંસાને પાત્ર છે.’
થોડા સમય પહેલાં જ નિવૃત્તિના સંકેતો આપેલા
તાજેતરમાં જ 77 વર્ષના અમિતાભ બચ્ચને નિવૃત્તિ લેવાના સંકેતો આપ્યા હતા. પોતાના બ્લોગમાં એમણે લખ્યું હતું કે, ‘મારે હવે રિટાયર થઈ જવું જોઈએ. મગજ કંઈક અલગ વિચારી રહ્યું છે અને આંગળીઓ કંઈક જૂદું. આ ઈશારો છે.’ દરઅસલ, છેલ્લા કેટલાક સમયથી અમિતાભ જાતભાતની શારીરિક તકલીફો સામે ઝઝૂમી રહ્યા છે. ઓક્ટોબર, 2019માં પણ ફેફસાંમાં ઈન્ફેક્શનને પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર આવ્યા હતા.