EPFO 3.0 Launched: પીએફ (PF) ખાતાધારકોની લોટરી લાગી; હવે ક્લેમ, ટ્રાન્સફર અને પાસબુક માટે ઓફિસોના ધક્કા ખાવા નહીં પડે
દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે પીએફ (Provident Fund) ને લગતી સેવાઓ મેળવવી હવે પહેલા કરતાં ઘણી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બની ગઈ છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ આ મહિને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા સેન્ટ્રલાઇઝ્ડ IT સક્ષમ સેવાઓ (CITES) પ્રોજેક્ટ હેઠળ તેના સમગ્ર સભ્ય ડેટાબેઝને એક સિંગલ સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત (માઇગ્રેટ) કરવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, આ આધુનિક ટેક્નોલોજીકલ ફેરફારથી પીએફની તમામ સેવાઓ પહેલા કરતા વધુ ઝડપી અને સભ્ય-કેન્દ્રિત બનશે.
શું છે આ CITES પ્રોજેક્ટ?
CITES (Centralised IT Enabled Services) પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષો જૂની અને પરંપરાગત EPFO સેવાઓનું સંપૂર્ણ આધુનિકીકરણ કરવાનો છે. આ સિસ્ટમ ઓટોમેશન અને નિયમ-આધારિત આધુનિક સિસ્ટમો પર કામ કરે છે. અગાઉના સમયમાં, દેશભરમાં આવેલી દરેક પ્રાદેશિક (રીઝનલ) EPFO ઓફિસ પોતાનો અલગ-અલગ ડેટાબેઝ જાળવી રાખતી હતી, જેના કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી બદલાતી વખતે પીએફ ટ્રાન્સફર કે ક્લેમમાં મહિનાઓનો સમય લાગતો હતો. હવે, દેશના તમામ સભ્યોનો ડેટા એક જ રાષ્ટ્રીય ડેટાબેઝમાં ઉપલબ્ધ થશે. આનાથી મોટો ફાયદો એ થશે કે દેશના કોઈપણ ખૂણે બેઠેલા સભ્યની વિનંતીઓ પર કોઈપણ અધિકૃત EPFO કાર્યાલયમાંથી ઓનલાઈન પ્રક્રિયા કરી શકાશે અને સભ્યોએ પોતાની પ્રાદેશિક ઓફિસની રૂબરૂ મુલાકાત લેવાની જરૂર નહીં રહે.

૧૫ જુલાઈ સુધીમાં ખાતામાં જમા થશે વ્યાજ
EPFO ના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૮.૨૫% ના વ્યાજદરે ગણતરી કરાયેલ આશરે ૧.૪૪ લાખ કરોડ રૂપિયા જેટલી માતબર વ્યાજની રકમ આગામી ૧૫ જુલાઈ સુધીમાં દેશના આશરે ૩૪ કરોડ પીએફ ખાતાધારકોના ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. આ નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમના કારણે વ્યાજ જમા થતાંની સાથે જ સભ્યો તેમની ઓનલાઈન પાસબુકમાં આ રકમ તાત્કાલિક જોઈ શકશે, જે માટે પહેલાં લાંબો સમય રાહ જોવી પડતી હતી.
૫ લાખ સુધીનું ઓટો-સેટલમેન્ટ અને ૭૫% ઉપાડની છૂટ
નવા નિયમો અને ટેક્નોલોજી હેઠળ, પીએફ સભ્યો તેમની જરૂરિયાતના સમયે કુલ પીએફ બેલેન્સના ૭૫% સુધીની રકમ એડવાન્સ તરીકે ઉપાડી શકે છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે, જે સભ્યોના ખાતા સંપૂર્ણપણે કેવાયસી (KYC) વેરિફાઇડ છે, તેમના ૫ લાખ રૂપિયા સુધીના એડવાન્સ પીએફ દાવાઓ હવે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર સીધા ‘ઓટો-સેટલમેન્ટ’ સિસ્ટમ દ્વારા મંજૂર કરવામાં આવશે. અગાઉ આ ઓટો-સેટલમેન્ટની મર્યાદા માત્ર ૧ લાખ રૂપિયાની હતી, જેમાં હવે પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે. દાવાની પતાવટ થાય તે જ દિવસે કેન્દ્રિયકૃત ચુકવણી પ્રણાલી દ્વારા ભંડોળ સીધા સભ્યના લિંક થયેલા બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર થઈ જશે.

ક્લેમ રિજેક્ટ થવાની સમસ્યાનો અંત અને સિંગલ વિન્ડો એક્સેસ
અગાઉ ઘણા કિસ્સાઓમાં નાની ભૂલો અથવા દસ્તાવેજોની ખામીને લીધે પીએફ ક્લેમ રિજેક્ટ થઈ જતા હતા અને સભ્યો હેરાન થતા હતા. હવે નવી સિસ્ટમમાં, ક્લેમ ઓનલાઈન સબમિટ કરતા પહેલા જ સિસ્ટમ આપમેળે જરૂરી દસ્તાવેજો અને સભ્યોની માહિતીની ડિજિટલ ચકાસણી કરશે. જો કોઈ વિસંગતતા કે ભૂલ હશે, તો પોર્ટલ પર યુઝરને તાત્કાલિક નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે, જેથી ભૂલ સુધારી શકાય અને ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા નહિવત થઈ જાય.
આ ઉપરાંત, સભ્યો હવે EPFO પોર્ટલ પર લોગ ઈન કરીને સિંગલ વિન્ડો હેઠળ તમામ સુવિધાઓ જેવી કે પીએફ બેલેન્સ ચેક કરવું, ક્લેમનું લાઈવ સ્ટેટસ જોવું, પેન્શન સેવાની વિગતો અને ખાતાધારકની પ્રોફાઈલ સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ખૂબ જ સરળતાથી એક્સેસ કરી શકશે.