ESICનો મોટો નિર્ણય! સરકારી કચેરીના ધક્કા બંધ, હવે સીધા બેંક ખાતામાં મળશે લાભ
જ્યારે કોઈ મહેનતકશ કામદાર બીમારી, માતૃત્વ અથવા કામના સ્થળે થયેલી કોઈ દુર્ઘટનાની પીડામાંથી પસાર થઈ રહ્યો હોય, ત્યારે સરકારી કચેરીઓના ધક્કા અને લાંબી કાગળની કાર્યવાહી તેની મુશ્કેલીમાં વધારો કરે છે. શારીરિક અને માનસિક તકલીફના આ સમયે કામદારને ઝડપી અને સરળ આર્થિક મદદ મળે તે સૌથી જરૂરી હોય છે.
કામદારોની આ જ વ્યવહારુ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ રવિવારે નવા નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ‘કર્મચારી રાજ્ય વીમા (સામાન્ય) વિનિયમ, 2026’ હેઠળ લાયક કર્મચારીઓ હવે બીમારી, માતૃત્વ અને કામ દરમિયાન લાગેલી ઈજાને લગતા રોકડ લાભ સીધા પોતાના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા મેળવી શકશે.

આ સુવિધા માટે કામદારે અલગથી કોઈ ક્લેમ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. આ નવા નિયમો વર્ષ 1950 ના જૂના નિયમોનું સ્થાન લેશે અને સામાજિક સુરક્ષા સંહિતા, 2020 ની જોગવાઈઓને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવશે.
નવા નિયમો મુજબ, બીમારી અને માતૃત્વ લાભના દાવાઓનો આપોઆપ (Auto-settlement) નિકાલ ત્યારે થશે જ્યારે ત્રણ મુખ્ય શરતો પૂર્ણ થતી હોય. પ્રથમ, ESIC ની માહિતી પ્રણાલી દ્વારા મેડિકલ સર્ટિફિકેટ તૈયાર થયેલું હોવું જોઈએ. બીજું, એમ્પ્લોયર એટલે કે માલિકે પોર્ટલ પર માસિક રિટર્ન જમા કરાવ્યું હોવું જોઈએ. અને ત્રીજું, કામદારનું બેંક ખાતું અને વીમા નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલા હોવા જોઈએ.
કામ દરમિયાન ઈજા થવાના કિસ્સામાં હવે કામચલાઉ અથવા કાયમી દિવ્યાંગતા અને મૃત્યુની પરિસ્થિતિમાં આશ્રિતોના લાભ માટે માલિક દ્વારા મોકલવામાં આવતો અકસ્માત રિપોર્ટ જ દાવો ગણાશે.
નવી જોગવાઈઓ શું છે?
લાયક કામદારો પાસે પોતાની રીતે ઇલેક્ટ્રોનિક અથવા અન્ય માધ્યમથી દાવો કરવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. જોકે, ડીમ્ડ ક્લેમ અને ઈજા સંબંધિત જોગવાઈઓ ESIC ના મહાનિર્દેશક અશોક કુમાર સિંહ દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખથી અમલમાં આવશે.
નવી જોગવાઈઓમાં પ્રસૂતિની સંભવિત તારીખ પહેલાં માતૃત્વ લાભનો દાવો કરવાની સમયમર્યાદા 50 દિવસથી વધારીને 56 દિવસ કરી દેવામાં આવી છે. જ્યારે બે અથવા તેથી વધુ જીવિત બાળકો ધરાવતી મહિલાઓ માટે આ સમયગાળો 42 દિવસનો રહેશે.
ઘણી વખત એવું બને છે કે માલિક સમયસર રિટર્ન ભરવામાં કે વિગતો ચકાસવામાં ઢીલાશ રાખે છે. નવા નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માલિક દ્વારા સમયસર રિટર્ન કે ચકાસણી ન કરવામાં આવે તો પણ કર્મચારીનો લાભ અટકાવવામાં આવશે નહીં, પરંતુ ESIC પોતે માલિક પાસેથી જરૂરી માહિતી મેળવી લેશે.
જો કોઈ ટેકનિકલ ખામી અથવા બેંક ખાતાની સમસ્યાને કારણે DBT નિષ્ફળ જાય, તો તેનું કારણ નોંધીને અન્ય માધ્યમથી ચુકવણી કરી શકાશે. સંપૂર્ણ દાવો મળ્યા બાદ 7 દિવસમાં બીમારીનો લાભ અને 14 દિવસમાં માતૃત્વ લાભનો પ્રથમ હપ્તો ચૂકવવો ફરજિયાત રહેશે.

કોને મળશે લાભ?
આ સુધારાઓથી દેશભરના લગભગ ચાર કરોડ વીમાધારક કામદારો અને આશરે 15 કરોડ લાભાર્થીઓને મોટો આધાર મળશે. 10 અથવા તેથી વધુ કર્મચારીઓ ધરાવતા એકમો પર લાગુ પડતી આ યોજના 21 હજાર રૂપિયા (દિવ્યાંગો માટે 25 હજાર રૂપિયા) સુધીનો માસિક પગાર મેળવતા કર્મચારીઓને તબીબી સારવાર, બીમારી, માતૃત્વ, દિવ્યાંગતા, આશ્રિત અને બેરોજગારી સહિત કુલ છ પ્રકારના સામાજિક સુરક્ષા લાભ પૂરા પાડે છે. હવે રજિસ્ટ્રેશનથી લઈને દાવાની પતાવટ સુધીની તમામ વહીવટી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ડિજિટલ વ્યવસ્થા તરફ આગળ વધશે, જેનાથી કામદારોનો સમય અને શ્રમ બંને બચશે.
