IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા વરુણ ચક્રવર્તીને ચેતવણી, પૂર્વ ક્રિકેટરે કહ્યું- ‘શિવમ દુબે પર ભરોસો ન કરી શકાય’
T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 તબક્કામાં ભારતીય ટીમ પોતાની અંતિમ અને સૌથી મહત્વની મેચ 1 માર્ચના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવા જઈ રહી છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાનારી આ મેચ ભારત માટે સેમીફાઈનલનો માર્ગ મોકળો કરશે. જોકે, આ નિર્ણાયક મુકાબલા પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર એસ. બદ્રીનાથે ટીમ ઈન્ડિયાની બોલિંગ રણનીતિ પર સવાલો ઉઠાવ્યા છે અને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીને ખાસ સાવધાન રહેવા સલાહ આપી છે.
વરુણની ગુગલી હવે રહસ્ય રહી નથી: એસ. બદ્રીનાથ
વરુણ ચક્રવર્તી તેની રહસ્યમય સ્પિન માટે જાણીતો છે, પરંતુ ઝિમ્બાબ્વે સામેની છેલ્લી મેચમાં તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું, જ્યાં તેણે 4 ઓવરમાં 35 રન આપીને માત્ર એક વિકેટ ઝડપી હતી. બદ્રીનાથે પોતાના યુટ્યુબ ચેનલ પર વરુણની બોલિંગનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, વિરોધી ટીમોએ હવે તેની રણનીતિ પકડી પાડી છે.
બદ્રીનાથે કહ્યું કે, “વરુણે પોતાની વિચારધારા બદલવી પડશે. તે મેચની શરૂઆતથી જ ગુગલી ફેંકવાનું શરૂ કરે છે, જેના માટે બેટ્સમેનો હવે પહેલાથી જ તૈયાર હોય છે. એનાલિટિક્સના કારણે હવે બધા જાણે છે કે તેની પહેલી ડિલિવરી ગુગલી જ હશે. તે બોલને બેટ્સમેનથી દૂર નથી ફેંકી રહ્યો, જેના કારણે બેટ્સમેનો તેને સરળતાથી લેગ સાઈડમાં ફટકારે છે. જો તેણે વેસ્ટ ઈન્ડિઝના પાવર-હિટર્સને રોકવા હશે, તો રણનીતિમાં તાત્કાલિક ફેરફાર કરવો પડશે.”
શિવમ દુબેની બોલિંગ પર ઉઠ્યા સવાલો
માત્ર વરુણ જ નહીં, બદ્રીનાથે ઓલરાઉન્ડર શિવમ દુબેની બોલિંગ ક્ષમતા પર પણ આકરા પ્રહારો કર્યા છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં દુબેએ માત્ર 2 ઓવરમાં 46 રન લુટાવ્યા હતા, જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે.
“શિવમ દુબે એક ભરોસાપાત્ર છઠ્ઠો બોલર નથી. જો તમે ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે પણ તેની બોલિંગ પર વિશ્વાસ ન કરી શકો, તો વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેનો સામે તેના પર કેવી રીતે ભરોસો મૂકી શકાય? જો વરુણ રન આપવાનું શરૂ કરે છે, તો કેપ્ટને મજબૂરીમાં દુબેને બોલ આપવો પડે છે, જે ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે.”
ઈડન ગાર્ડન્સમાં સેમીફાઈનલની ટિકિટનો જંગ
ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચ કોઈ ફાઈનલથી ઓછી નથી. ઈડન ગાર્ડન્સની પિચ સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ થાય છે, જે વરુણ ચક્રવર્તી માટે પોતાની લય પાછી મેળવવાની સુવર્ણ તક છે. જોકે, કેરેબિયન બેટ્સમેનો સ્પિન સામે લાંબી સિક્સર મારવા માટે જાણીતા છે, તેથી ભારતીય બોલિંગ આક્રમણે વધુ સચોટ રહેવું પડશે.
ટીમ મેનેજમેન્ટ અત્યારે હાર્દિક પંડ્યાની સાથે છઠ્ઠા બોલિંગ વિકલ્પ તરીકે કોને અજમાવવો તે અંગે મથામણ કરી રહ્યું છે. જો શિવમ દુબે બોલિંગમાં નિષ્ફળ રહે છે, તો ભારતે પોતાની મુખ્ય બોલિંગ લાઇન-અપ પર જ નિર્ભર રહેવું પડશે.

