ભારત પર ટેરિફને લઈને અમેરિકાના પૂર્વ NSAનો હુમલો, ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લગાવવાના નિર્ણયે ભારત-અમેરિકા સંબંધોમાં નવી કડવાશ ઊભી કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે આ પગલું ભારત દ્વારા રશિયા સાથે વધતા તેલના વેપારને કારણે લેવામાં આવ્યું છે. બીજી તરફ, કેટલાક વિશ્લેષકો માને છે કે આ ટેરિફ ભારત દ્વારા પાકિસ્તાન મુદ્દે અમેરિકી મધ્યસ્થીને નકારવાની સજા છે. આ મુદ્દે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને ટ્રમ્પને ચેતવણી આપી છે કે આવા નિર્ણયથી ભારત અમેરિકાથી દૂર અને ચીનની નજીક જઈ રહ્યું છે.
સુલિવનનું કડક નિવેદન
જેક સુલિવન, જેઓ બાઈડેન સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચૂક્યા છે, તેમણે કહ્યું કે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની વૈશ્વિક વિશ્વસનીયતા નબળી પડી છે. તેમણે કહ્યું કે જે દેશો સાથે તેઓ મુલાકાત કરે છે, તે હવે અમેરિકાને એક ભરોસાપાત્ર સહયોગી નથી માનતા, પરંતુ જોખમી દેશ માનવા લાગ્યા છે. તેમણે કહ્યું, “દેશ હવે અમારી સાથે જોખમ ઘટાડવાની વાત કરે છે અને અમેરિકાને એક એવો રાષ્ટ્ર માને છે જેના પર ભરોસો કરવો મુશ્કેલ છે.”
ભારતને લઈને ચિંતા
સુલિવને કહ્યું કે ભારત સાથે અમેરિકા લાંબા સમયથી ઊંડા અને સ્થાયી સંબંધો બનાવવાની કોશિશ કરી રહ્યું હતું, પરંતુ હવે ટ્રમ્પે તે જ ભારત વિરુદ્ધ વ્યાપારિક અભિયાન શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે ભારતીયોનું વલણ બદલાઈ રહ્યું છે અને તેઓ માનવા લાગ્યા છે કે અમેરિકાની તુલનામાં ચીન તેમને વધુ સારી સુરક્ષા પ્રદાન કરી શકે છે.
ચીનની વધતી લોકપ્રિયતા
સુલિવન અનુસાર, આજે દુનિયાના ઘણા ભાગોમાં ચીન પોતાને એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે રજૂ કરી રહ્યું છે. તેમણે કહ્યું, “એક વર્ષ પહેલા સુધી ચીનને આટલો ટેકો મળતો નહોતો, પરંતુ હવે ઘણા દેશોમાં તેની લોકપ્રિયતા અમેરિકા કરતાં વધુ થઈ ગઈ છે. લોકો કહી રહ્યા છે કે અમેરિકન બ્રાન્ડ ખતમ થઈ ગઈ છે.”
Former US NSA Jake Sullivan- “THE AMERICAN BRAND GLOBALLY IS IN THE TOILET….”
How to make Joker of ‘Oneself’ is an Art & only 2 Pappus excel in it. One is American & the other is an Italian who is a a British citizen but calls himself ‘Indian’. pic.twitter.com/nDzp5pJydQ
— BhikuMhatre (@MumbaichaDon) August 29, 2025
ટ્રમ્પની દલીલ
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના નજીકના અધિકારીઓનું કહેવું છે કે આ ટેરિફ ભારત અને રશિયા વચ્ચે ચાલી રહેલા તેલના વેપારને કારણે લગાવવામાં આવ્યો છે. તેમનો તર્ક છે કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદી રહ્યું છે, જેનાથી રશિયાની અર્થવ્યવસ્થા ટકી રહી છે. આવા સંજોગોમાં ભારતને આર્થિક રીતે દંડિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું.
ભારત પર લાદવામાં આવેલો 50% ટેરિફ માત્ર બંને દેશો વચ્ચે તણાવનું કારણ નથી બન્યો, પરંતુ તેનાથી અમેરિકાની આંતરરાષ્ટ્રીય છબી પર પણ સવાલ ઊભા થયા છે. નિષ્ણાતો માને છે કે જો આવા પગલાં ચાલુ રહેશે, તો ભારત અમેરિકાથી અંતર રાખીને ચીન સાથેના પોતાના સંબંધોને વધુ મજબૂત કરી શકે છે.