પોલેન્ડમાં એર શો રિહર્સલ દરમિયાન F-16 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનું મૃત્યુ
પોલેન્ડના રેડોમ શહેરમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અમેરિકામાં બનેલું F-16 ફાઈટર જેટ એર શોની રિહર્સલ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પોલિશ વાયુસેનાનું આ વિમાન આગામી એર શોના અભ્યાસમાં સામેલ હતું. અકસ્માતમાં વિમાન આગનો ગોળો બની ગયું અને જમીન પર ઘસડાઈ ગયું. આ દુ:ખદ ઘટનામાં પોલિશ પાયલટે જીવ ગુમાવ્યો.
પોલેન્ડના નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી વ્લાદિસ્લાવ કોસિનીઆક કામિઝે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. જ્યારે વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાયલટને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
F-16: આધુનિક ટેકનોલોજીથી સજ્જ, છતાં સતત અકસ્માતો
F-16 ને ‘ફાઇટિંગ ફાલ્કન’ તરીકે ઓળખવામાં આવે છે. તે અમેરિકન-નિર્મિત, સિંગલ-એન્જિન સુપરસોનિક મલ્ટિરોલ ફાઇટર એરક્રાફ્ટ છે. તેને 1970ના દાયકામાં જનરલ ડાયનેમિક્સ (હવે લોકહીડ માર્ટિન) દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તેની મહત્તમ ગતિ મેક 2 (લગભગ 2400 કિમી/કલાક) છે અને તે દરેક હવામાનમાં ઉડાન ભરવા સક્ષમ છે.
વિશ્વના 25થી વધુ દેશોની વાયુસેનાઓ F-16નો ઉપયોગ કરે છે. તેને હલકું, ઝડપી અને તકનીકી રીતે અદ્યતન વિમાન માનવામાં આવે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં તેના અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.
⚡ BREAKING: F-16 fighter jet crashes during training for the Radom Air Show in Poland. Pilot killed
Aircraft crashed into the runway around 1730 GMT and damaged it. The Radom Airshow planned for the weekend has been cancelled.
Government spokesman Adam Szlapka confirmed the… pic.twitter.com/E3wFl6MKIP
— OSINT Updates (@OsintUpdates) August 28, 2025
F-35 પણ અકસ્માતનો ભોગ બન્યું હતું
આ અકસ્માત પહેલા અમેરિકાનું સૌથી એડવાન્સ ફાઈટર જેટ F-35 પણ અલાસ્કામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તે ઘટનામાં પાયલટે વિમાનને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેને અંતે ઇજેક્ટ કરવું પડ્યું. વિમાન સીધું જમીન પર પડ્યું અને તેમાં આગ લાગી ગઈ.
આ ઘટનાઓએ અમેરિકાના આધુનિક ફાઈટર જેટ્સની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે. એક તરફ તેમને વિશ્વના સૌથી અદ્યતન લડાકુ વિમાનોમાં ગણવામાં આવે છે, તો બીજી તરફ વારંવાર થઈ રહેલા અકસ્માતો તેમના ટેકનિકલ અને સુરક્ષા પાસાઓ પર ચિંતા ઊભી કરી રહ્યા છે.
આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ટેકનોલોજી ગમે તેટલી આધુનિક હોય, માનવ જીવનની સુરક્ષા સર્વોપરી છે અને દરેક ઉડાન સાથે જોખમ પણ જોડાયેલું રહે છે.