આરોગ્ય વિભાગની બેદરકારી બાદ ભારે હંગામો
સુરત શહેરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી(gross negligence) સામે લાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખટોદરાની જાણીતી સુરભી ડેરી (Surabhi Dairy Surat)માંથી છેલ્લા કેટલાક દિવસો પહેલા જ 754 કિલો જેટલું નકલી પનીર (fake paneer) જપ્ત કરવામાં આવ્યું હતું. છતાં પણ આ ડેરી જાણે કશું જ ન થયું હોય તેમ રોજની જેમ ચાલુ રહી હતી. અંતે આજે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી ડેરીને સીલ કરી દીધી છે.
આરોગ્ય વિભાગની ધીમી કાર્યવાહી પર ઉઠ્યા સવાલો
માહિતી મુજબ, ખટોદરાની સુરભી ડેરીમાંથી પાલિકા ફૂડ વિભાગ અને એસઓજી ટીમે સંયુક્ત તપાસ કરીને આશરે રૂ. 1.82 લાખના બજાર મૂલ્યનું 754 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું. નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા હતા, પરંતુ દુકાનને તરત જ સીલ ન કરતા ફરીથી દુકાનદારે પનીરનું વેચાણ શરૂ કરી દીધું હતું. આ ઘટના સામે આવતાં આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા પર લોકો અને સ્થાનિક સંગઠનો દ્વારા કઠોર ટીકા થઈ રહી હતી. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, “જ્યારે નકલી પનીર જપ્ત થયું છે, ત્યારે ડેરી ખુલ્લી કેમ?”

ન્યૂઝ રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં
સ્થાનિક મીડિયા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવતા આખરે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું. આજે સવારે ફરી અધિકારીઓ સુરભી ડેરીએ પહોંચ્યા અને નવા સેમ્પલ લઈને દુકાનને સીલ કરી દીધી. આ કાર્યવાહી પછી લોકોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો છે. માત્ર થોડા દિવસો પહેલા જ માલિક શૈલેષ છગનભાઈ પટેલ પાસેથી વિવિધ પ્રકારના પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને મોટો જથ્થો સીઝ થયો હતો. છતાં પણ ડેરી ખુલ્લી રહી એ બાબત ગંભીર માનવામાં આવી રહી છે. હાલની કાર્યવાહી બાદ સ્પષ્ટ સંકેત છે કે તંત્ર હવે આવા ખાદ્ય ભેળસેળ(food adulteration)ના કેસોમાં વધુ કડક વલણ અપનાવશે.

આરોગ્ય વિભાગ માટે મોટો પાઠ
આ ઘટના એ દર્શાવે છે કે ખાદ્ય સુરક્ષા વિભાગે તાત્કાલિક અને પારદર્શક કાર્યવાહી કરવી જરૂરી છે, નહીં તો ભેળસેળ કરનાર તત્વો ફરી માથું ઉંચું કરશે. ન્યૂઝ અહેવાલ બાદ આખરે તંત્રને જાગૃતિ આવી છે અને સુરભી ડેરીને સીલ કરવાનું પગલું ભરાયું છે, જે અન્ય ડેરીઓ માટે પણ ચેતવણી સમાન છે.

