ટ્રાફિક નિયમોનું કડક પાલન હવે બની રહ્યું છે ફ્રોડનું માધ્યમ
સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા ઈ-ચલણ સિસ્ટમ અમલમાં છે. CCTV અને ANPR ટેક્નોલોજીથી માર્ગો પર કડક દેખરેખ છે. પરંતુ હવે ઈ-ચલણના નામે લોકોને લૂંટવાનો નવો માર્ગ સરળ બન્યો છે. સાયબર ગુનેગારો ‘RTO Challan.apk’ જેવી ખોટી APK ફાઈલ મોકલીને લોકોના ફોન હેક કરી રહ્યા છે.
મોબાઈલમાં માલવેરથી બેંક એકાઉન્ટની લૂંટ
WhatsApp, SMS કે ઈમેલ દ્વારા આવા APK લિંક મોકલાઈ રહી છે. સામાન્ય લોકો આ લિંક પર ક્લિક કરે છે અને તેમનાં મોબાઈલમાં માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. ત્યાર બાદ વ્યક્તિની બેંક વિગત ચોરી થઈ જાય છે અને ખાતામાંથી રકમ ઉપાડી લેવાઈ રહી છે. સ્ટેટ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ બંનેએ લોકોને ચેતવણી આપી છે.
સાયબર ફ્રોડથી બચવા શું કરવું?
કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો
ગૂગલ પ્લે પ્રોટેક્ટ ચાલુ રાખો
‘કવચ 2.0’ એપ ડાઉનલોડ કરો
ઈ-ચલણ તપાસવા માટે સત્તાવાર પોર્ટલનો જ ઉપયોગ કરો
શંકાસ્પદ લિંક મળે તો 1930 હેલ્પલાઈન પર જાણ કરો
સરકારી પોર્ટલ પર જ કરો ઈ-ચલણ ચેક
ઈ-ચલણ ચકાસવા માટે https://echallan.parivahan.gov.in/ કે https://gujarattransport.gujarat.gov.in/ જેવી સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવો જરૂરી છે. વાહન નંબર કે ડ્રાઈવિંગ લાયસન્સ નંબરથી ચલણ ચકાસી શકાય છે.
ડિજિટલ ચુકવણી માટે પણ રાખો સતર્કતા
UPI, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા ભરપાઈ કર્યા બાદ ડિજિટલ રસીદ સાચવી રાખવી જોઈએ. જો ચલણ ખોટું લાગે તો તરત પોલીસ સ્ટેશન કે ઈ-ચલણ વિભાગનો સંપર્ક કરવો.