વાહન છોડાવાની લાલચમાં બનેલ કૌભાંડ
સુરત શહેરમાં RTOની નકલી રસીદો બનાવી વાહનો છુટાવવા માટે ચાલી રહેલ એક મોટું કૌભાંડ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. મુખ્ય આરોપી સુનિલ શર્માની ધરપકડ બાદ સમગ્ર રેકેટની પરત એકે એક ખુલવા લાગી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 29 નકલી રસીદો શોધી કાઢી છે.
નકલી રસીદથી છૂટતું હતું વાહન
આ રેકેટમાં એવો મોટો ખુલાસો થયો છે કે, આરોપી સુનિલ શર્મા એ RTO જેવી દેખાતી નકલી રસીદો બનાવીને એવા લોકો સુધી પહોંચાડતો હતો જેમના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યાં હતા. ખાસ કરીને સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં આવા નકલી કાગળના આધારે વાહનો છુટતાં હતા.
એક યુવાનની શંકાએ ભાંડો ફોડ્યો
ફેબ્રુઆરી 2025માં એક યુવક તેની રિક્ષા છુટાવવા માટે નકલી રસીદ લઈને ગોડાઉન પહોંચ્યો. રસીદ જોઈ પોલીસને શંકા ગઇ અને તેમણે તેનો QR કોડ સ્કેન કર્યો. ત્યારે ખુલાસો થયો કે આ રસીદ RTOના રેકોર્ડમાં કોઈ પણ રીતે નોંધાયેલ નથી. આ ઘટના બાદ એક વર્ષના રેકોર્ડ તપાસતા 29 નકલી રસીદો બહાર આવી.
ગુનાઓની ચેઇન અને 6000ની સોદાબાજી
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી સુનિલ શર્મા સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હતા. જેમ કે ક્રિષ્ના કુશ્વાહે અન્ય એક યુવક સુનિલ પંડિતને ₹6000માં નકલી રસીદ આપી હતી. પંડિતે તેનો ઉપયોગ કરીને એક રિક્ષા છુટાવી અને તેમાંમાંથી ₹1500 રોકડ લઈને બાકીના પૈસા માગવાના હતા. પરંતુ પોલીસ તપાસને કારણે કૌભાંડનો અગાઉ જ પર્દાફાશ થઈ ગયો.
મુખ્ય સૂત્રધાર પકડાતા વધુ ખુલાસાની સંભાવના
આ સમગ્ર રેકેટમાં મુખ્ય સૂત્રધાર સુનિલ શર્માની ધરપકડ થઇ ચૂકી છે અને અગાઉ આરોપી તરીકે ક્રિષ્ના કુશ્વાહ પણ પકડાયો હતો. હાલ પોલીસે કૌભાંડના તમામ શખ્સોની ઓળખ કરી, વધુ આરોપીઓ સુધી પહોંચવાની કામગીરી શરૂ કરી છે.