કમોસમી વરસાદ બાદ રાહત પેકેજ પર રાજકારણ ગરમાયું, વડોદરામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું
Farmer Relief Package: રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે પાક નુકસાન (Crop Damage) સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રૂ.10 હજાર કરોડના Farmer Relief Packageની જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. વલસાડમાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં નેતાઓએ સરકારના નિર્ણય પર અનેક સવાલો ઉઠાવ્યા અને આ પેકેજને માત્ર દેખાડો કહીને આક્ષેપો કર્યા.
વલસાડમાં યોજાયેલા આ સ્નેહમિલનમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા અનંતભાઈ પટેલે કહ્યું કે, “સરકારે ખેડૂતોને રાહત આપવાના બદલે માત્ર પડીકું આપી દીધું છે. ખેડૂતોને ખરેખર મદદની જરૂર છે, પરંતુ સરકારે માત્ર જાહેરાત કરીને રાજકારણ કર્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે, “દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આગામી દિવસોમાં જનઆક્રોશ રેલી યોજવામાં આવશે, જેથી તેમની વાસ્તવિક પરિસ્થિતિ રાજ્ય સુધી પહોંચી શકે.”

તેમજ કોંગ્રેસ નેતા ગૌરવભાઈ પંડ્યાએ પણ તીખો પ્રહાર કરતાં કહ્યું કે, “સરકાર પાક ખરીદવાની વાત કરે છે, પરંતુ પાક બચ્યો જ ક્યાં છે? સતત વરસાદ અને કુદરતી આફતથી ખેડૂતોનો પાક બગડી ગયો છે, અને હવે સરકાર ખાલી વચનો આપી રહી છે.”
આ વચ્ચે વડોદરામાં ખેડૂત હિતરક્ષક સમિતિ (Khedut Hitrakshak Samiti)એ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સમિતિએ આરોપ લગાવ્યો છે કે જમીનનાં NA માટેની ફાઈલોમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. 200થી વધુ ફાઈલો ત્રણ મહિનાથી પેન્ડિંગ છે અને કેટલાક અધિકારીઓ હેતુફેર માટે નવી પ્રોસેસ શરૂ કરી રહ્યા છે. સમિતિએ જણાવ્યું કે આ વિલંબને કારણે જમીન વેચાણમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે અને ખેડૂતો આર્થિક સંકટમાં સપડાઈ રહ્યા છે.

આ રીતે એક તરફ સરકાર રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ ખેડૂતો અને સંગઠનો તેમની હકીકત સરકાર સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે.

