બ્રિટિશ યહૂદીઓનો ડર વધ્યો, અસુરક્ષિત મહેસૂસ કરનારાઓની સંખ્યા ચાર ગણી, સર્વેમાં થયો ખુલાસો
બ્રિટનમાં યહૂદી સમુદાયની સુરક્ષાને લઈને ચિંતા ઝડપથી વધી રહી છે. એક નવા સર્વે મુજબ, 2025 માં 35% યહૂદીઓ પોતાને અસુરક્ષિત માને છે. યહૂદી-વિરોધી ભાવનાઓ (એન્ટીસેમિટિઝમ)ના કેસોમાં રેકોર્ડ વધારો થયો છે, ખાસ કરીને લંડન અને માન્ચેસ્ટરમાં.
બ્રિટનના માન્ચેસ્ટરમાં ગુરુવારે એક યહૂદી પ્રાર્થના સ્થળ (સિનાગોગ)ની બહાર આંતકી હુમલો થયો. હુમલાના સમયે ઘણા યહૂદીઓ યોમ કિપ્પુર તહેવાર નિમિત્તે પ્રાર્થના માટે એકઠા થયા હતા. ત્યારે હુમલાખોરે પહેલા પોતાની કાર ભીડ પર ચઢાવી દીધી અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.
આ ઘટનાએ બ્રિટનમાં ફરી એકવાર યહૂદી સમુદાયની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોથી જ બ્રિટનના યહૂદી નાગરિકો સતત અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. ખાસ કરીને 7 ઓક્ટોબર 2023 પછી, જ્યારે હમાસે ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. આ દરમિયાન, ઇન્સ્ટિટ્યૂટ ફોર જ્યુઇશ પોલિસી રિસર્ચ (JPR) દ્વારા જૂન-જુલાઈ 2025માં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું કે બ્રિટનમાં મોટી સંખ્યામાં યહૂદીઓ હવે પોતાને અસુરક્ષિત માને છે.
તાજા સર્વે શું કહે છે?
JPR (ઇન્સ્ટિટ્યૂટ ફોર જ્યુઇશ પોલિસી રિસર્ચ) દ્વારા જૂન-જુલાઈ 2025માં કરવામાં આવેલા એક મોટા સર્વે મુજબ, આ વર્ષે 35% યહૂદીઓએ કહ્યું કે તેઓ બ્રિટનમાં અસુરક્ષિત મહેસૂસ કરે છે. જ્યારે 2023 માં, એટલે કે હમાસના હુમલાઓ પહેલાં, માત્ર 9% લોકો આવું માનતા હતા.
યહૂદી-વિરોધી ભાવનાઓ (એન્ટીસેમિટિઝમ) વિશે પણ ચિંતા વધી છે. 2012 માં માત્ર 11% બ્રિટિશ યહૂદીઓ માનતા હતા કે આ ખૂબ મોટી સમસ્યા છે, પરંતુ 2025 માં આ સંખ્યા વધીને 47% સુધી પહોંચી ગઈ. સર્વેએ એ પણ દર્શાવ્યું કે 2024 માં લગભગ એક-તૃત્યાંશ (32%) યહૂદીઓએ ઓછામાં ઓછો એકવાર યહૂદી-વિરોધી ઘટનાનો સામનો કરવો પડ્યો.
લંડન-માન્ચેસ્ટર બન્યા હોટસ્પોટ
કોમ્યુનિટી સિક્યુરિટી ટ્રસ્ટ (CST), જે 1994 થી આવી ઘટનાઓનો રેકોર્ડ રાખે છે, તેણે જણાવ્યું કે જાન્યુઆરીથી જૂન 2025ની વચ્ચે યુકેમાં 1,521 એન્ટીસેમિટિક ઘટનાઓ નોંધાઈ. આ કોઈપણ વર્ષના પ્રથમ છ મહિનાનો બીજો સૌથી મોટો આંકડો છે. પ્રથમ રેકોર્ડ 2024 ની શરૂઆતમાં બન્યો હતો, જ્યારે 7 ઓક્ટોબર પછીના તરત છ મહિનામાં 2,019 ઘટનાઓ થઈ હતી.
આ વર્ષે થયેલી 1,521 ઘટનાઓમાંથી મોટાભાગની લંડન અને માન્ચેસ્ટરમાં થઈ, જ્યાં યહૂદી વસ્તી સૌથી મોટી છે. કુલ મળીને, 2025 ના પ્રથમ છ મહિનામાં દર મહિને 200 થી વધુ ઘટનાઓ થઈ. સૌથી વધુ જૂનમાં 326 કેસ નોંધાયા, જ્યારે ગાઝામાં યુદ્ધ અને ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ તેજ થયો હતો.
ઇઝરાયેલ સાથેનું જોડાણ પણ થઈ રહ્યું છે મજબૂત
સર્વેથી એ પણ જાણવા મળ્યું કે આ મુશ્કેલ સમયમાં પણ બ્રિટિશ યહૂદીઓનું જોડાણ પોતાના ધર્મ અને સંસ્કૃતિ સાથે મજબૂત બન્યું છે. ઇઝરાયેલ સાથેનો ભાવનાત્મક સંબંધ પણ વધુ ઊંડો થયો છે. 2023 માં જ્યાં 72% યહૂદીઓ પોતાને ઇઝરાયેલ સાથે જોડાયેલા માનતા હતા, ત્યાં હવે આ આંકડો 75% છે. ‘ખૂબ ઊંડું જોડાણ’ મહેસૂસ કરનારાઓની સંખ્યા પણ 40% થી વધીને 49% થઈ ગઈ છે.
પણ ઇઝરાયેલની ટીકા પણ સાથે વધી
જોકે, બીજી તરફ ઇઝરાયેલની નીતિઓ અને યુદ્ધને લઈને ટીકા પણ વધી છે. 2025 માં અડધાથી વધુ (51%) યહૂદીઓએ કહ્યું કે ગાઝામાં ઇઝરાયેલનું વર્તન તેમના યહૂદી મૂલ્યો સાથે મેળ ખાતું નથી. 2024 માં આ સંખ્યા 40% હતી. ખાસ કરીને યુવા યહૂદીઓમાં એન્ટી-ઝાયોનિસ્ટ વિચારસરણી વધી રહી છે. 20 થી 29 વર્ષના યુવાનોમાં 24% હવે પોતાને એન્ટી-ઝાયોનિસ્ટ માને છે, જ્યારે 2022 માં આ માત્ર 13% હતા.
શા માટે વધ્યા છે યહૂદીઓ પર હુમલા?
CSTનું કહેવું છે કે મોટાભાગની ઘટનાઓ ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ અને તેની અસર સાથે જોડાયેલી છે. 51% કેસોમાં કોઈને કોઈ રીતે ઇઝરાયેલ, ગાઝા કે 7 ઓક્ટોબરના હુમલાનો ઉલ્લેખ હતો. ઘણી ઘટનાઓમાં “ઝાયોનિસ્ટ” શબ્દ ગાળ તરીકે ઉપયોગમાં લેવાયો અને 172 વખત ઇઝરાયેલની સરખામણી સીધી નાઝીઓ સાથે કરવામાં આવી.