બાળકોની ઇમ્યુનિટી વધારવા શું ખવડાવશો? જાણો ખાસ હેલ્ધી ફૂડ લિસ્ટ
બદલાતા હવામાનની સૌથી વધુ અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડે છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વડીલોની સરખામણીએ ઓછી હોય છે. ઓક્ટોબરની શરૂઆત સાથે હવે દિવસો ગરમ અને રાત ઠંડી થવા લાગી છે, જેને કારણે બાળકો બીમાર ન પડે તે માટે તેમના આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.
શરીરને બીમારીઓ સામે લડવા માટે ઇમ્યુનિટી બૂસ્ટ રહે તે અત્યંત જરૂરી છે. તેમને એવી વસ્તુઓ આપવી જોઈએ જે પોષક તત્વોથી ભરપૂર હોય. અહીં પાંચ એવી સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતી વાનગીઓ વિશે જાણકારી આપવામાં આવી છે જે તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરશે.
પબમેડમાં છપાયેલી માહિતી મુજબ, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન C, D અને E થી ભરપૂર ખોરાક લેવાથી ઇમ્યુનિટી સુધારી શકાય છે.
બદલાતા હવામાનમાં ઇમ્યુનિટી વધારતી 5 રેસિપીઝ
1. વેજિટેબલ ખીચડી
ભારતીય ઘરોમાં ખીચડી એક એવો કમ્ફર્ટ ફૂડ છે જે પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ પણ છે.
બનાવવાની રીત: તમે બાળકો માટે મગની દાળ, ચોખા સાથે વિવિધ પ્રકારના શાકભાજી (જેમ કે ગાજર, વટાણા, ફણસી) મિક્સ કરીને પ્રવાહી ખીચડી બનાવીને આપી શકો છો.
ફાયદો: આનાથી બાળકને એકસાથે ઘણા બધા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે.
2. પાલક-બીટનો ચીલો
બાળકોની ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે તમે સવારના નાસ્તામાં ચીલો બનાવી શકો છો, જે ફટાફટ તૈયાર થઈ જાય છે.
બનાવવાની રીત: બેસન, સોજી અથવા મલ્ટિગ્રેઇન લોટમાં પાલકની પ્યુરી અને છીણેલું બીટ (ચુકંદર) મિક્સ કરીને પ્રોટીન અને અનેક વિટામિન-મિનરલ્સથી ભરપૂર ચીલો બનાવી શકાય છે.
ફાયદો: પાલક અને બીટ લોહીનું પ્રમાણ વધારે છે અને વિટામિન્સનો સારો સ્રોત છે.
3. ગોલ્ડન મિલ્ક (હળદરવાળું દૂધ)
બાળકોની ઇમ્યુનિટી જાળવી રાખવાનો સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ.
બનાવવાની રીત: રાત્રે સૂવાના ઓછામાં ઓછા અડધો કલાક પહેલાં બાળકને હળદરવાળું દૂધ આપો. વધુ ફાયદા માટે તમે તેમાં કેસરના એક કે બે તાંતણા પણ ઉમેરી શકો છો.
ફાયદો: હળદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો ધરાવે છે, જે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.
4. ટ્રાયલ મિક્સ (Trail Mix) બનાવીને રાખો
બાળકો માટે તમે ટ્રાયલ મિક્સ તૈયાર કરીને રાખી શકો છો, જે ઝડપથી તૈયાર થઈ જાય છે અને પોષક તત્વોનો ખજાનો છે.
બનાવવાની રીત: બદામ, કાજુ, પિસ્તા, સૂર્યમુખીના બીજ, પમ્પકિન સીડ્સ, ફ્લેક્સ સીડ્સ વગેરેને મિક્સ કરીને ડ્રાય રોસ્ટ કરો અને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
ફાયદો: રોજિંદા આહારમાં થોડું ટ્રાયલ મિક્સ આપવાથી બાળકને જરૂરી હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને વિટામિન્સ મળે છે.
5. આમળાની કેન્ડી બનાવો
બાળકોને ખાટી-મીઠી કેન્ડી ખૂબ જ પસંદ હોય છે. તમે તેમને આમળાની કેન્ડી બનાવીને આપી શકો છો, જે એકવાર બનાવી લીધા પછી લાંબા સમય સુધી ચાલે છે.
ફાયદો: આમળા વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત છે, જે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
બનાવવાની રીત:
આમળાને સ્ટીમ કરીને (બાફીને) તેને બ્લેન્ડ કરી લો.
આ પલ્પને એક પેનમાં નાખી થોડીવાર પકાવો અને તેમાં થોડો ગોળ અથવા પીસેલી સાકર ઉમેરીને મિક્સ કરો.
થોડો લીંબુનો રસ, સંચળ (કાળું મીઠું), થોડો કોર્નસ્ટાર્ચ અને ચપટી કાળા મરીનો પાવડર નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
મિશ્રણ જામી જાય એટલે તેના નાના ટુકડાઓમાં કાપીને કેન્ડીની જેમ સ્ટોર કરી લો.