કેપ્સ કાફે પર ફરી હુમલો: બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી
કેનેડાના સરે શહેરમાં સ્થિત કોમેડિયન કપિલ શર્માના ‘કેપ્સ કાફે’માં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે. જોકે આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ધમકીભરી પોસ્ટમાં લખ્યું હતું કે, “જય શ્રી રામ, સત શ્રી અકાલ. ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ આજે સરેમાં કપિલ શર્માના કેપ્સ કાફેમાં થયેલા ગોળીબારની જવાબદારી લે છે. અમે ટાર્ગેટને ફોન કર્યો હતો, રિંગ સાંભળી ન હતી, તેથી કાર્યવાહી કરવી પડી. જો આગલી વખતે પણ રિંગ સાંભળી ન હોય, તો આગામી કાર્યવાહી મુંબઈમાં કરવામાં આવશે.”
આ પોસ્ટમાં ઘણા અન્ય કુખ્યાત ગેંગસ્ટરોના નામ પણ ઉમેરવામાં આવ્યા છે જેમ કે: અંકિત બધુ શેરેવાલા, જીતેન્દ્ર ગોગી માન ગ્રુપ, કાલા રાણા, હરિ બોક્સર, શુભમ લોનકર અને સાહિલ દુહાન પેટવાડ. જોકે, આ પોસ્ટની સત્યતાની પુષ્ટિ થઈ નથી કે તે ખરેખર બિશ્નોઈ ગેંગ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે નહીં.
અગાઉ પણ, 9 જુલાઈ, 2025 ના રોજ, કેપ્સ કાફેમાં આવી જ ગોળીબારની ઘટના બની હતી. તે સમયે, પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલી લડ્ડી ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ ઘટના પછી, સરેના મેયર બ્રેન્ડા લોક અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ કાફેની મુલાકાત લીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ બેઠકની એક ઝલક શેર કરતા કપિલ શર્માએ લખ્યું, “આપણે બધા હિંસા સામે એક છીએ.”
View this post on Instagram
આ ગોળીબાર સાથે સંકળાયેલું નામ હરજીત સિંહ લડ્ડી તરીકે બહાર આવ્યું છે, જે એક ખતરનાક ખાલિસ્તાની આતંકવાદી છે. લડ્ડી પર ભારતમાં ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તેને હિન્દુ નેતાઓ અને ભારત તરફી લોકો પર હુમલાના કાવતરાનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. ૧૩ એપ્રિલ, ૨૦૨૪ના રોજ પંજાબના રૂપનગર જિલ્લાના નાંગલમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા પ્રભાકરની હત્યાના કાવતરામાં પણ તેમનું નામ સામે આવ્યું હતું.
હરજીત લાડ્ડી અને તેના સાથી કુલબીર સિંહ ઉર્ફે સિદ્ધુ પર આતંકવાદી નેટવર્કને ભંડોળ પૂરું પાડવા અને ટાર્ગેટ કિલિંગ માટે લોકોની ભરતી જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ભારત સરકારે લાડ્ડી પર ૧૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.