આકાશમાં મોંઘવારીનો ધડાકો! 3 મહિનામાં 25 હજારથી વધુ ફ્લાઇટ્સ ઓછી
ભારતીય એવિએશન (ઉડ્ડયન) ક્ષેત્ર હાલમાં એક મોટા પડકારમાંથી પસાર થઈ રહ્યું છે. ઓપરેશનલ અવરોધો, ભૌગોલિક-રાજકીય (Jio-Political) તણાવ, એરસ્પેસ પરના નિયંત્રણો અને મોંઘા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ને કારણે ભારતીય એરલાઇન્સે આ વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન તેમની નિર્ધારિત (Scheduled) ફ્લાઇટ્સમાં મોટો કાપ મૂકવો પડ્યો છે. ગત વર્ષની આ જ મુદતની સરખામણીએ આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના શિડ્યુલમાં ૮.૫ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે લગભગ ૨૫,૩૯૦ ફ્લાઇટ્સ રદ થવા સમાન છે.
શિડ્યુલ ફ્લાઇટ્સની સંખ્યામાં કેમ આવ્યો મોટો ઘટાડો?
ગ્લોબલ ટ્રાવેલ ડેટા પ્રોવાઇડર OAG ના આંકડાઓ અનુસાર, ભારતની આઠ અગ્રણી એરલાઇન્સ—ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, આકાસા એર, સ્પાઇસજેટ, અલાયન્સ એર, સ્ટાર એર અને ઇન્ડિયા વન એર—એ જુલાઇથી સપ્ટેમ્બર ૨૦૨૬ ના ગાળા માટે ૨,૭૩,૫૪૯ ફ્લાઇટ્સ શિડ્યુલ કરી હતી. જ્યારે ગત વર્ષે (૨૦૨૫) આ જ ગાળામાં ૨,૯૮,૯૩૯ ફ્લાઇટ્સ ઓપરેટ થઈ હતી.

ફોર્બ્સના અહેવાલ મુજબ, આ વર્ષે સ્થાનિક ફ્લાઇટ્સના શિડ્યુલમાં ૮.૪ ટકા અને આંતરરાષ્ટ્રીય (ઇન્ટરનેશનલ) રુટ્સ પર ૯.૯ ટકાનો કાપ મુકાયો છે. વર્ષાનુવર્ષના ધોરણે સૌથી મોટો ઘટાડો જુલાઇ મહિનામાં જોવા મળ્યો હતો, જ્યાં ઘરેલુ શિડ્યુલમાં ૧૦ ટકા અને આંતરરાષ્ટ્રીય શિડ્યુલમાં ૧૪ ટકાનો ઘટાડો થયો હતો.
ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સ ઘટાડી, માસિક ધોરણે સ્થિતિ
ઓગસ્ટ મહિનામાં ફ્લાઇટ્સની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો અને જુલાઇની સરખામણીએ ૪,૮૪૭ ફ્લાઇટ્સ વધી હતી. પરંતુ સપ્ટેમ્બર આવતાં જ ફરી પરિસ્થિતિ વણસી ગઈ અને ફ્લાઇટ્સની સંખ્યા ૨,૯૨૩ ઘટીને ૯૦,૮૫૦ પર આવી ગઈ હતી.
સપ્ટેમ્બર મહિનામાં આવેલી આ ગિરાવટ પાછળ મુખ્યત્વે ઇન્ડિગો જવાબદાર હતી, જેણે ઓગસ્ટની તુલનામાં ૨,૧૫૮ ફ્લાઇટ્સ ઓછી કરી હતી. આ જ ગાળામાં એર ઇન્ડિયાએ પણ ૮૭૫ ફ્લાઇટ્સ ઘટાડી હતી, જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસે પોતાના નેટવર્કમાં ૪૩૯ નવી ફ્લાઇટ્સ ઉમેરીને થોડી રાહત આપી હતી.
મહિના વાઇઝ ફ્લાઇટ ડેટા સરખામણી:
| મહિનો | ૨૦૨૫ ફ્લાઇટ્સ | ૨૦૨૬ ફ્લાઇટ્સ | ટકાવારી ફેરફાર |
| જુલાઇ | ૯૯,૨૬૧ | ૮૮,૯૨૬ | -૧૦.૪૦% |
| ઓગસ્ટ | ૯૯,૬૭૮ | ૯૩,૭૭૩ | -૫.૯૦% |
| સપ્ટેમ્બર | ૧,૦૦,૦૦૦ | ૯૦,૮૫૦ | -૯.૨૦% |
| કુલ | ૨,૯૮,૯૩૯ | ૨,૭૩,૫૪૯ | -૮.૫૦% |
જેટ ફ્યુઅલના રેકોર્ડ ભાવ અને એરલાઇન્સ પર વધતું આર્થિક દબાણ
મે મહિનામાં જ એર ઇન્ડિયાએ જૂન અને ઓગસ્ટ વચ્ચે કેટલાક આંતરરાષ્ટ્રીય રુટ્સ પર પોતાની સેવાઓ પુનઃવ્યવસ્થિત કરવાની જાહેરાત કરી હતી. પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) માં ચાલતા સંઘર્ષોને કારણે એરસ્પેસ પર પ્રતિબંધો મૂકાયા હતા અને જેટ ફ્યુઅલના ભાવ આસમાને પહોંચ્યા હતા.
ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે મધ્ય પૂર્વના તણાવને કારણે લાંબા રુટ્સ લેવા પડ્યા હતા. આનાથી ફ્યુઅલનો વપરાશ વધ્યો અને મોંઘા તેલના કારણે એરલાઇન્સ માટે બિઝનેસ ચલાવવો અશક્ય બનતાં ટૂંકા ગાળાના કડક નિર્ણયો લેવાની ફરજ પડી હતી.
કોઈપણ એરલાઇન માટે તેનો કુલ ઓપરેશનલ ખર્ચમાંથી ૪૦ ટકા ખર્ચ માત્ર ફ્યુઅલ (ATF) નો હોય છે. જૂનમાં ATF નો ભાવ ૧૧૫ રૂપિયા પ્રતિ લીટર હતો, જે જુલાઇમાં ઘટીને ૧૧૦ રૂપિયા થયો હતો. પરંતુ ઓગસ્ટમાં તે ફરી વધીને ૧૧૫ રૂપિયા અને ૧ સપ્ટેમ્બરે ઉછળીને ૧૨૧.૨૮ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો, જેનાથી એરલાઇન્સનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું.
હવાઈ ભાડામાં ૨૦.૫% નો વધારો અને પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) ના આંકડા અનુસાર, જુલાઇ ૨૦૨૫ માં ૧૨૬.૦૫ લાખ સ્થાનિક મુસાફરોએ વિમાન પ્રવાસ કર્યો હતો, જેની સરખામણીએ જુલાઇ ૨૦૨૬ માં આ આંકડો ઘટીને ૧૨૦ લાખ થયો હતો. એટલે કે મુસાફરોની સંખ્યામાં ૪.૮ ટકાનો સીધો ઘટાડો થયો છે.

આ ઘટાડાનું મુખ્ય કારણ વિમાનના ભાડામાં થયેલો વિપુલ વધારો છે. DGCA ના ડેટા મુજબ, માર્ચ ૨૦૨૫ થી જૂન ૨૦૨૬ વચ્ચે દેશના ૭૨ મુખ્ય સ્થાનિક રુટ્સ પર સરેરાશ હવાઈ ભાડાંમાં ૨૦.૫ ટકા જેટલો તગડો વધારો થયો છે. વધતી મોંઘવારી અને મોંઘી ટિકિટોને કારણે લોકો હવે બિનજરૂરી પ્રવાસો ટાળી રહ્યા છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA એ પણ નોંધ્યું છે કે મોંઘા ભાડાં અને મોંઘવારીને કારણે પર્સનલ અને બિઝનેસ ટ્રાવેલ પર ભારે અસર પડી છે.
કયા રુટ્સ પર ફ્લાઇટ્સ વધી અને ક્યાં ઘટી?
આ તમામ પડકારો વચ્ચે દેશના કેટલાક વ્યસ્ત રુટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં મોટો વધારો પણ જોવા મળ્યો છે. દિલ્હી-મુંબઈ રુટ પર આ ત્રિમાસિક ગાળા દરમિયાન બંને બાજુ મળીને ૨,૬૦૬ નવી સેવાઓ ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત મુંબઈ-કોચી અને બેંગલુરુ-કોચી રુટ્સ પર પણ ફ્લાઇટ્સ વધી છે.
બીજી તરફ, હાઇદરાબાદ-તિરુપતિ રુટ પર સૌથી વધુ ૧,૩૧૮ ફ્લાઇટ્સનો કાપ મુકાયો હતો. આ પછી ચેન્નાઈ-હાઇદરાબાદ અને બેંગલુરુ-હાઇદરાબાદ રુટ્સ પર પણ સસ્પેન્ડેડ કે રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા સૌથી વધુ હતી.
સૌથી વધુ વધારો નોંધાવનારા ટોચના રુટ્સ:
| રુટ | જુલાઇ-સપ્ટેમ્બર ૨૦૨૫ | જુલાઇ-સપ્ટેમ્બર ૨૦૨૬ | ફ્લાઇટ્સમાં વધારો |
| દિલ્હી – મુંબઈ | ૯,૦૫૮ | ૧૧,૬૬૪ | +૨,૬૦૬ |
| મુંબઈ – કોચી | ૧,૩૯૦ | ૨,૨૧૭ | +૮૨૭ |
| બેંગલુરુ – કોચી | ૧,૫૩૧ | ૨,૧૫૧ | +૬૨૦ |
| બેંગલુરુ – પુણે | ૨,૬૩૨ | ૩,૧૪૯ | +૫૧૭ |
| દિલ્હી – કોચી | ૧,૧૦૫ | ૧,૫૮૬ | +૪૮૧ |
