ભારત: પંજાબમાં ભયંકર પૂર, 12 જિલ્લા પ્રભાવિત, ત્રણ લાખથી વધુ લોકો થયા વિસ્થાપિત
પંજાબમાં ભારે વરસાદ અને નદીઓમાં જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર જેવી નદીઓ ભયજનક સપાટી વટાવી રહી છે, જેના પરિણામે પંજાબના 12 જિલ્લાના 1,000થી વધુ ગામો પ્રભાવિત થયા છે. આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયા છે અને લગભગ 15 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આશરે 3 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
VIDEO | Punjab: Indian Army continues rescue operations; medical camps set up in Jastarwal village for flood-affected people.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/p40hmEsw4z
— Press Trust of India (@PTI_News) September 2, 2025
ખેતીવાડીને મોટું નુકસાન
પૂરના કારણે ખેતીને પણ મોટું નુકસાન થયું છે. લગભગ 3 લાખ એકર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેમાં ડાંગર, કપાસ અને મકાઈ જેવા પાકનો સંપૂર્ણ નાશ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો અને આ પરિસ્થિતિને કુદરતી આફત ગણાવી હતી. જોકે, આ પ્રકારે નિવેદનો આપવા બદલ તેમની ટીકા પણ થઈ રહી છે, કારણ કે લોકોના જીવ અને સંપત્તિ બચાવવા માટે વધુ સઘન પગલાં લેવાની જરૂર છે.
રાહત અને બચાવ કાર્ય
આ કુદરતી આફતનો સામનો કરવા માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
વારંવાર આવતા પૂર અને ભવિષ્યની તૈયારી
આ છેલ્લા છ વર્ષમાં પંજાબમાં આવેલું આ ત્રીજું મોટું પૂર છે. આ પહેલાં 2019 અને 2023માં પણ પંજાબમાં ભયંકર પૂર આવ્યું હતું. 2023માં 1,500થી વધુ ગામો અને 2.21 લાખ હેક્ટર જમીન પરના પાકનો નાશ થયો હતો. 2019ના પૂરમાં પણ 300થી વધુ ગામો પ્રભાવિત થયા હતા. હવામાન વિભાગે પંજાબ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. આનાથી પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, અને આ માટે તંત્રએ તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની જરૂર છે.