ડીસા પંથકમાં વર્ષો જૂની સમસ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ પછી ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં જેનાલ ગામથી નાણી ગામને જોડતો રેલવે અંડરપાસ હજુ પણ પાણીથી ભરાયેલો છે. પરિણામે ૪૦૦થી વધુ ગ્રામજનોને રોજિંદા જીવન માટે જીવના જોખમે રેલવે ટ્રેક પાર કરવો પડે છે.
અંડરપાસમાં વરસાદી પાણી
જેનાલ, દેવસરી અને સોલંકીવાસ જેવા ગામોમાંથી નાણી ગામ તરફ જતા માર્ગ પર આવેલો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ છે. વરસાદ ખતમ થયા પછી પણ પાણી નિકાલ થતો ન હોવાને કારણે ગ્રામજનોને વાહનો દુર મૂકી પગપાળા ટ્રેક પરથી પસાર થવું પડે છે.
“દૂધ ભરાવવા પણ ટ્રેક પરથી જવું પડે છે”
જેનાલના પ્રભાતસિંહે જણાવ્યું કે, “અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી સાઇકલ કે અન્ય કોઈ વાહન પણ પસાર થઈ શકતું નથી. અમે દૂધ ભરાવવા કે અન્ય કામે પણ રેલવે પરથી જ આવીએ જઈએ છીએ.” તેઓએ વધુમાં ઉમેર્યું કે દરેક ચોમાસે આવું જ થાય છે, પરંતુ કોઈ ટકાઉ ઉકેલ આજ સુધી આવ્યો નથી.
“દરરોજ ૬ થી ૭ કિલોમીટર ચાલવું પડે છે”
દેવસરી ગામના માવજીભાઈએ કહ્યું, “બેંક કે અન્ય કામ માટે અમારે ૬-૭ કિલોમીટર સુધી ચાલવું પડે છે, કેમ કે અંડરપાસમાંથી પસાર થવું અશક્ય છે. તેથી રેલવે ટ્રેક પરથી જીવના જોખમે જવું પડે છે …
“બાળકોને જોખમ ખેડીને શાળાએ મોકલીએ છીએ”
અન્ય એક સ્થાનિક પોપટભાઈએ જણાવ્યું કે, “થોડા વરસાદથી અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે અને બાળકોને શાળાએ મોકલવા માટે પણ જોખમ ખેડવું પડે છે. તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.”
ગ્રામજનોની માંગ: ઓવરબ્રિજ કે ટકાઉ ડ્રેનેજ
ગ્રામજનોની માગ છે કે અંડરપાસમાંથી પાણીનો નિકાલ ઝડપી થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ કે પછી કાયમી ઓવરબ્રિજ બનાવવો જોઈએ. તેમને આશા છે કે તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ અસરકારક કાર્યવાહી કરશે.