નવસારી મહાનગરપાલિકાની અનોખી પહેલ
નવસારી શહેર હવે પૂજાના ફૂલોને માત્ર કચરો નહિ ગણે, પરંતુ તેને પર્યાવરણ અને રોજગારી માટે આશીર્વાદ રૂપ બનાવશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા ‘ફ્લોરલ વેસ્ટ યાત્રા’ પ્રોજેક્ટ દ્વારા મંદિરોથી એકત્રિત થતા ફૂલોનો ઉપયોગ ખાતર અને અગરબત્તી બનાવવા કરવામાં આવશે.
શ્રાવણ માસમાં વધતી ફૂલોની ખપતને બદલે રૂપાંતરણ
શ્રાવણ મહિનો શરૂ થયો હોય ત્યારે શહેરના મંદિરોમાં મોટી માત્રામાં ફૂલો ચઢાવવામાં આવે છે. હવે આ ફૂલો કચરામાં ન જતાં તેને અલગ રીતે ઉપયોજન કરવામાં આવશે. ‘ફૂલ તમાંરા આશીર્વાદ – પર્યાવરણ માટે રાહત’ એવા સુત્રો સાથે ખાસ વાહનો દ્વારા ફૂલો એકત્રિત થશે.
નવસારી મહાનગરપાલિકાએ વિશેષ પ્રકારના વાહનો તૈયાર કર્યા છે જે મંદિરો અને ઘરોમાં ફરશે અને પૂજાપાઠમાં ઉપયોગ થયેલા સૂકા ફૂલો અને હાર એકત્રિત કરશે. આ ફૂલોનું સંસ્કરણ કરીને ખાતર તથા ધૂપ અગરબત્તી બનાવવામાં આવશે. જેથી શહેર સ્વચ્છ રહેશે અને અનેક મહિલાઓને રોજગારીનો પણ મોકો મળશે.
મહિલાઓ માટે આવકનું સ્ત્રોત, બજારમાં સસ્તી અગરબત્તી મળશે
કમિશનર દેવ ચૌધરીના જણાવ્યા મુજબ આ પ્રવૃત્તિ દ્વારા નવરાત્રિના પર્વ પહેલા બજારમાં સસ્તી અને ગુણવત્તાવાળી અગરબત્તીઓ ઉપલબ્ધ થશે. સાથે સાથે મહિલાઓ માટે નવું રોજગાર ક્ષેત્ર પણ ખુલશે. આ પહેલ એક તરફ શ્રદ્ધાનો માન રાખશે તો બીજી તરફ પર્યાવરણની પણ જાળવણી કરશે.
મંદિર અને મહંતોએ પણ પહેલને આપી દાદ
નવસારીના સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત ધર્મેશ મહારાજે પણ મહાનગરપાલિકાની આ પહેલને અભિનંદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભગવાનને અર્પણ કરેલા ફૂલોનો વધુ લાભ મળવો એ ધાર્મિક અને સામાજિક રીતે બંને રીતે શુભ છે. ભવિષ્યમાં આ પહેલ વિસ્તરે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી.
‘જર્ની ઓફ ફ્લોરલ વેસ્ટ’ માત્ર એક સફાઈ અભિયાન નથી, તે ભક્તિ પછીની શાંતિનું પ્રતિબિંબ છે.અને પૂજાસામગ્રી હવે સ્વચ્છતા, રોજગારી અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ બની રહી છે.