પડાલા, કોરીક્રીક, નલિયા, સાંવલાપીર સહિતના વિસ્તારમાં કરાતું ચેરિયાનું વાવેતર
કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરિયાકાંઠાના ઇકોસિસ્ટમના ઈ કોલોજીકલ અને સામાજિક-આર્થિક સ્થિતિ સ્થાપક્તાને પ્રોત્સાહન આપવા માટે મેન્ગ્રોવ ઇનિશિયેટીવ ફોર શૌરલાઈન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ (મિસ્ટી) પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ પૈકી કચ્છમાં પણ દરિયાકાંઠા વિસ્તારમાં મેન્ગુવ(ચેરિયા)નું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આગામી ૩ વર્ષમાં ૧૫ હજાર હેક્ટર વિસ્તારમાં ચેરિયાનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં ૪,૩૫૦ હેક્ટરમાં ચેરિયા વાવેતરનો લક્ષ્યાંક
આ અંગે કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સંદીપકુમારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૦૦૦ હેક્ટર, વર્ષ ૨૦૨૪-૨૫માં ૪.૧૫૦ હેક્ટર તથા વર્ષ ૨૦૨૫-૨૬માં ૪,૩૫૦ હેક્ટરમાં ચેરિયા વાવેતરનો લક્ષ્યાંક છે. આગામી ત્રણ વર્ષમાં ૧૫ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં ચેરિયાનું વાવેતર કરાશે. ખાસ કરીને આ વાવેતર પડાલા, કોરીકીક, નલિયા, સાંવલાપીર સહિતના વિસ્તારમાં કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં કુલ ચેરિયાનું જે વાવેતર છે તેમાં ૭૧ ટકા તો માત્ર કચ્છમાં જ થયું છે. ખંભાત અને કચ્છ મળીને કુલ ૮૬ ટકા વાવેતર થાય છે. વન વિભાગ હેઠળ ચેરિયાના વાવેતરમાં સરેરાશ ૧૦૦થી ૧૨૫ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. ચેરિયાના વાવેતરનું કામ ખૂબ કઠિન અને મહેનત માગી લે તેવું હોય છે.
અન્ય રોપાં કરતાં ચેરિયામાં કાર્બન સિક્વેસ્ટેશન વધુ
અન્ય રોપાં કરતાં ચેરિયામાં કાર્બન સિક્વેસ્ટેશન વધુ કાર્બન સિક્વેસ્ટેશન એટલે કે કાર્બનને જમીન અને ચેરિયાના રોપાંમાં ફિક્સ કરવાનું જરૂરી હોય છે. ચેરિયાનો છોડ જમીન અને સમુદ્રના ઇન્ટરફેસ પર હોય છે. કાદવ-કીચડવાળી જગ્યાએ હોય છે, જેમાં અલગ જ પ્રકારની ક્ષમતા હોય છે કે જેનાથી તે ક્ષારયુક્ત વિસ્તારમાં પણ સરળતાથી પોષણ મેળવીને ઉછરી શકે છે. આ ઉપરાંત પોતાની રીતે જળ બનાવીને મજબુત રહી શકે છે.
ફિશ બોન ટેકનિકથી કરાતું વિશેષ પ્લાન્ટેશન
ચેરિયાના વાવેતર અંગે નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ફિશ બોન ટેકનિક તરીકે ઓળખાય છે. જે અંગે સીસીએફ સંદીપકુમારે જણાવ્યું હતું કે, ફિશ બોન ટેકનિક દ્વારા પ્લાન્ટેશન કરાઇ રહ્યું છે, જેમાં એક મુખ્ય ચેનલ હોય તેની આસપાસમાં અન્ય નાની ચેનલો હોય છે તેમાં ચેરિયાનું વાવેતર કરવામાં આવે છે. જેના કારણે હાઇ સેલેરિટી તેમજ સોઈલ કટાવમાં નોંધપાત્ર ઘટાડો થશે.