ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ સલાહકાર એશલે ટેલિસ ચીન માટે જાસૂસી કરી રહ્યા હતા? એફબીઆઇ દ્વારા ધરપકડ, ભારત સાથે ગાઢ સંબંધ
અમેરિકાના વરિષ્ઠ વિદેશ નીતિ નિષ્ણાત અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર એશલે ટેલિસની ચીન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઇ અને ન્યાય વિભાગની રાષ્ટ્રીય સુરક્ષા શાખા આ મામલે ગંભીર તપાસ કરી રહી છે.
ભારતમાં થયો હતો જન્મ, અમેરિકન નાગરિક
એશલે ટેલિસનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ તેઓ હવે અમેરિકન નાગરિક છે. તેઓ દક્ષિણ એશિયા અને ભારત-અમેરિકા સંબંધોના ટોચના જાણકારોમાં ગણાય છે. 2001 થી તેઓ અમેરિકી વિદેશ વિભાગમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર કાર્યરત રહ્યા છે.
2008ના ન્યુક્લિયર ડીલમાં ભજવી હતી મહત્વની ભૂમિકા
ટેલિસે 2008માં ભારત-અમેરિકા વચ્ચે થયેલા સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કરાર બંને દેશોના સંબંધોમાં ઐતિહાસિક વળાંક માનવામાં આવે છે.
ચીન સાથે ગુપ્ત મુલાકાતોનો આરોપ
રિપોર્ટ અનુસાર, ટેલિસે સપ્ટેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2025ની વચ્ચે વર્જિનિયાના ફેરફેક્સ સ્થિત રેસ્ટોરન્ટ્સમાં ઘણી વખત ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતો દરમિયાન તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હતા.
એક હજાર પાનાનો સિક્રેટ દસ્તાવેજ મળ્યો
એફબીઆઇની રેડમાં ટેલિસના ઘરેથી એક હજાર પાનાનો ગોપનીય દસ્તાવેજ મળી આવ્યો છે. માનવામાં આવે છે કે તેમાં રાષ્ટ્રીય રક્ષા, વિદેશ નીતિ અને ગુપ્તચર ગતિવિધિઓથી જોડાયેલી મહત્વની જાણકારીઓ સામેલ છે.
અમેરિકાની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
આ ધરપકડ બાદ અમેરિકન એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ટેલિસની પહોંચ ઉચ્ચ સ્તરની ગુપ્ત માહિતી સુધી રહી છે, જેનાથી મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે. હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં વધુ ખુલાસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોંધ: એશલે ટેલિસ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તમામ આરોપોની પુષ્ટિ ન્યાયિક પ્રક્રિયા હેઠળ જ કરવામાં આવશે.