યુકે સાથે મુક્ત વ્યાપાર કરાર : ગુજરાતને ભરપૂર લાભ, સિરામિક, રસાયણો, હિરા, કપડાં-ટેક્સટાઇલ સહિતના સેક્ટરની નિકાસ વધશે
ભારત અને યુનાઇટેડ કિંગ્ડમ વચ્ચે ગુરુવારે મુક્ત વેપાર કરાર કરવામાં આવ્યા છે. આ કરારો ગુજરાતના અનેક ઉદ્યોગ ક્ષેત્રો માટે ગેમ ચેન્જર સાબિત થવાના છે. ઐતિહાસિક કરાર પછી ગુજરાતના સૌથી મોટાં સિરામિક ઉદ્યોગને બહોળો લાભ મળશે. એ ઉપરાંત બાંઘણી, ટેક્સટાઇલ, હીરા-રત્નો, હાથવણાટના કપડા વગેરેને ફાયદો મળી શકે તેમ છે.
બ્રિટનમાં સિરામિકની નિકાસ ઘણી સારી થઇ રહી હતી પણ હવે ડયુટી ઘટતા આ નિકાસમાં ઉછાળો આવે તેવી સંભાવના છે. આ કરાર હેઠળ ભારતથી નિકાસ થતો 99 ટકામાલ યુકેમાં શૂન્ય ટેરિફ પર જશે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે યુકેથી આયાત થતી લકઝરી કાર, વ્હીસ્કી-જિન તેમજ અન્ય અનેક વસ્તુઓ પણ સસ્તી થવાની છે. ભારતથી ખેત જણસો, ફાર્મા પ્રોડક્ટ, ડાયમંડ અને સિરામિક સહિતની પ્રોડક્ટની નિકાસ પણ એકદમ સરળ બનશે.
કરારમાં સિરામિક ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબીથી વર્ષે અંદાજે રૂ.850 કરોડની સિરામિક ટાઇલ્સની નિકાસ થાય છે. મોરબીથી ટાઈલ્સની નિકાસમાં યુકે પાંચમા ક્રમે છે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે હવે ટાઇલ્સની નિકાસ ઉપર લાગતી ડયુટીમાં ઘટાડો આવશે. અમુક સમય બાદ ક્રમશ: ડયુટી ઘટતી જાય તેવી પણ શક્યતા છે. જો કે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા સિરામિક ટાઇલ્સની ડયુટીમાં કેટલો ઘટાડો થશે તે અંગે કોઈ ચોક્કસ વિગતો જાહેર કરી નથી.
અત્યારે યુકેમાં ભારતીય ટાઇલ્સ ઉપર 4 ટકા ડયુટી અને 20 ટકા વેટ લાગે છે.
બીજી તરફ યુકેમાં ચીન ઉપર 50થી 60 ટકા જેવી એન્ટીડમ્પિંગ ડયુટી લગાવવામાં આવેલી છે. જેથી યુકે ટાઈલ્સની ખરીદીમાં મોરબી તરફ જ ઝુકાવ રાખશે તેવી આશા છે તેમ કેપેક્સિલના સિરામિક પેનલના વાઈસ ચેરમેન નિલેષ જેતપરિયા કહે છે.
સુંદર અને રંગબેરંગી દેખાતી બાંધણી ગુજરાતની ઓળખ છે
અને દરેક ટેક્સટાઇલ વસ્તુ હવે ગુજરાતથી યુકે ડયુટી વગર જશે. અગાઉ બ્રિટન 8-12 ટકા આયાત ડયુટી વસૂલતો હતો. રત્નોના દાગીના પર 5-12.50 ટકા, રસાયણો પર 6-8 ટકા, પોલિશ્ડ હીરા પર 5 ટકા, હાથવણાટ પર 8 ટકા, ચામડાના જૂતા પર 8-10 ટકાઅને અન્ય ઉત્પાદનો પર 3થી 15 ટકા ડયુટી વસૂલાતી હતી. હવે ગુજરાતમાંથી નિકાસને ફરક પડશે. કેમિકલની નિકાસપણ વધવાની ધારણા છે.
વાઇબફસ્ટ પીગ્મેન્ટના એમ.ડી. અમિત બાંઠિયા જણાવે છે કે 2030 સુધીમાં આપણે યુકેમાં 2.5 બિલિયન ડોલરના રસાયણો મોકલીશું જે હાલના કરતા ત્રણથી ચાર ગણું પ્રમાણ હશે. વાણિજ્ય અને વેપાર મંત્રાલય અને એસોચેમના ડેટા અનુસાર વર્ષ 2024 માં બ્રિટનમાં ચીન 98.50 બિલિયન ડોલર, બાંગ્લાદેશ 4.1% બિલિયન ડોલર અને ભારત 15.22 બિલિયન ડોલરનો સામાન મોકલી રહ્યો હતો. સારી વાત એ છે કે ભારતની 99 ટકાવસ્તુઓ પર હવે 0 ડયુટી લાગશે જયારે ચીન અને બાંગ્લાદેશ પર 3થી 18 ટકાડયુટી યથાવત રહેશે. આનો અર્થ એ છે કે ભારતના તમામ ક્ષેત્રો હવે મોટી સંખ્યામાં બ્રિટનમાં નિકાસ કરશે.
વેલ્સ્પનનાં ગ્રુપ પ્રેસિડેન્ટ ચિંતન ઠાકર જણાવે છેકેથોડા વર્ષોમાં ભારતથી બ્રિટન માટે નિકાસ ઘણી મજબૂત થશે. હવે ચીન અને બાંગ્લાદેશ પર બ્રિટનમાં નિકાસ પર નકારાત્મક અસર પડશે, જ્યારે ભારત માટે નિકાસ કરવાની સુવર્ણ તક હશે. ઘસેલા હીરા ઉપર પાંચ ટકા અને જેમ્સ જ્વેલરી ઉપર ત્રણથી આઠ ટકા જેટલી આયાત ડયુટી હતી જે હવે લગભગ ઝીરો કેટેગરીમાં આવશે એટલે ગુજરાતમાંથી જ મોટાભાગના હીરા પોલીસ થઈ અને વિદેશ જાય છે તેમાં પણ મોટો ફાયદો છે.