ટ્રમ્પને નોબેલ જોઈએ તો… ફ્રાન્સના રાષ્ટ્રપતિનો ઈઝરાયેલના મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ પર નિશાન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક જોરદાર ભાષણ આપ્યું છે, જેમાં તેમણે પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવા બદલ પોતાના પશ્ચિમી સહયોગીઓને આડે હાથ લીધા છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ મંગળવાર, 23 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે જો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માગતા હોય, તો તેમણે ગાઝામાં યુદ્ધ અટકાવવું પડશે. ન્યૂ યોર્કથી ફ્રાન્સના BFM TV સાથે વાત કરતાં મેક્રોને કહ્યું કે ફક્ત ટ્રમ્પ પાસે જ ઇઝરાયેલ પર યુદ્ધ સમાપ્ત કરવા દબાણ કરવાની શક્તિ છે.
ગાઝા યુદ્ધ માટે અમેરિકા જવાબદાર
રિપોર્ટ મુજબ મેક્રોને કહ્યું કે, “એક વ્યક્તિ છે જે આ વિશે કંઈક કરી શકે છે, અને તે અમેરિકી રાષ્ટ્રપતિ છે. અને તેઓ અમારા કરતાં વધુ કરી શકે છે કારણ કે અમે એવા હથિયારો સપ્લાય કરતા નથી જેનાથી ગાઝામાં યુદ્ધ ચાલુ છે. અમે એવા ઉપકરણો (ઇક્વિપમેન્ટ) સપ્લાય કરતા નથી જે ગાઝામાં યુદ્ધ કરવા દે છે. સંયુક્ત રાજ્ય અમેરિકા આવું કરે છે.”
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે મંગળવારે જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક જોરદાર ભાષણ આપ્યું, જેમાં તેમણે પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવા બદલ પોતાના પશ્ચિમી સહયોગીઓને આડે હાથ લીધા. ટ્રમ્પે કહ્યું કે આવું કરવું હમાસના આતંકવાદીઓ માટે એક ઈનામ હશે. ટ્રમ્પે કહ્યું, “આપણે ગાઝામાં યુદ્ધ તરત જ રોકવું પડશે. આપણે તરત જ શાંતિ વાટાઘાટો કરવી પડશે.”
ફ્રાન્સના રાષ્ટ્રપતિનો ટ્રમ્પ પર કટાક્ષ
રિપોર્ટ મુજબ ટ્રમ્પના ભાષણ પર ચર્ચા કરતા મેક્રોને કહ્યું, “હું તેમાં સામેલ એક અમેરિકી રાષ્ટ્રપતિને જોઉં છું, જેમણે આજે સવારે મંચ પરથી પુનરાવર્તન કર્યું: ‘હું શાંતિ ઈચ્છું છું. મેં 7 યુદ્ધ સમાપ્ત કર્યા છે’, જે નોબેલ શાંતિ પુરસ્કાર ઈચ્છે છે. નોબેલ શાંતિ પુરસ્કાર ત્યારે જ શક્ય છે જ્યારે તમે આ (ગાઝા) સંઘર્ષને રોકશો.”
ઈઝરાયેલ, પાકિસ્તાન અને કંબોડિયા સહિત અનેક દેશોએ શાંતિ સમજૂતી અથવા યુદ્ધવિરામ કરાવવાનો દાવો કરીને ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત (નોમિનેટ) કર્યા છે. ટ્રમ્પે પોતે વારંવાર કહ્યું છે કે તેઓ આ પુરસ્કારના હકદાર છે. આ પહેલા 4 અમેરિકી રાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર મળી ચૂક્યો છે.
અહીં ધ્યાનમાં રાખવા જેવી એક વાત એ છે કે ટ્રમ્પ ભારત-પાકિસ્તાન યુદ્ધને રોકવાનો બિલકુલ ખોટો દાવો વારંવાર કરી રહ્યા છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે યુદ્ધવિરામની અપીલ પાકિસ્તાન તરફથી કરવામાં આવી હતી અને બંને દેશોએ પરસ્પર યુદ્ધવિરામ પર સમજૂતી કરી છે, જેમાં કોઈ ત્રીજા દેશનો હાથ નહોતો.