ગાંધીનગર : ગુજરાતમાં એરંડાનો વાવેતર વિસ્તાર 5,33,800 હેક્ટર હતો તે વધીને 7,40,600 હેક્ટર થયો છે. હેક્ટરદીઠ 2355 કિલોનો ઉતારો ગણવામાં આવ્યો હતો, પણ 1800 કિલોથી વધું ઉત્પાદન દિવેલામાં મળે તેમ નથી. કૃષિ વિભાગના સૂત્રો કહે છે કે, ખાનગી એજન્સીઓએ રાજ્યમાં 17.44 લાખ ટન એરંડીનું ઉત્પાદન ધારેલું હતું પણ તે અંદાજો શંકા ઊભી કરે છે. જેની પાછળ સટ્ટા બજાર મહત્વની ભૂમિકા ભજવે છે. 2018-19માં 8થી 9 લાખ ટન એરંડી પાકી હોવાનો અંદાજ છે. જે એકાએક બે ગણું ઉત્પાદન કઈ રીતે વધી શકે એવું ખેડૂતો માનવા તૈયાર નથી.
જે ધારણા બની હતી તેમાં સેટેલાઈટ ઈમેજનો ઉપગોય અને સ્થળ પરની મૂલાકાત ગણવામાં આવી હતી. પણ એક વખતનો સરવે સાચો અંદાજ આપતો નથી. ખરેખર તો વાવણી સમયથી ઉતારા સુધી ઉપગ્રહ અને સ્થળ પરનો દર અઘવાડિયે અહેવાલ મેળવવામાં આવે છે તેનું મુલ્યાંકન સતત થાય તો જ સાચો અંદાજ આવી શકે કે ખરેખર કેટલું ઉત્પાદન થશે. 12 લાખ ટનથી વધું ઉત્પાદન થઈ શકે તેમ નથી.
સૂઈ ગામમાં આફત
ખેતીવાડી અધિકારી કહે છે કે, સુઇગામ તાલુકાના દરેક ગામ અને આસપાસના વિસ્તારમાં નવેમ્બર સુધીમાં 5000 હેકટર દિવેલાનો પાક નાશ થયો હતો. ઈયળથી વ્યાપક નુકસાન થયું હતું. વળી, 13 નવેમ્બર 2019ની સાંજે અચાનક ભારે પવન સાથે કરાનો વરસાદ પડતાં દિવેલાને જમીન દોસ્ત કર્યા હતા. જ્યાં 8 હજાર હેક્ટરનું સારું એવું વાવેતર થયું ત્યાં આ સ્થિતી ઊભી થઈ હતી. વાવાઝોડું, વરસાદ, ઈયળનો મોટો ઉપદ્રવ અને તીડ હતા. તેનાથી મોટો પાક નાશ પામ્યો હતો. હવે એ બધી બાબતો તો ઉપગ્રહ કે એક વખતની સ્થળ મૂલાકાતમાં જાહેર થવાની નથી.
રસ ચૂસી લેતી ઇયળ
સમગ્ર ઉત્તર ગુજરાતમાં દિવેલાના પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરતી લીલી પોપટી વ્યાપક જોવા મળી હતી. તેના માટેની મારણ દવાનો તે મુકાબલો કરતી જોવા મળી હતી. આવું જ ડભોઈમાં ડિસેમ્બર 2019માં જોવા મળ્યું હતું. અહીં જીવાત અને ઈયળ વ્યાપક પ્રમાણમાં થતાં એરંડાને મોટું નુકસાન કર્યું હતું.
ગુલાબી ઇયળ
સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકા ઉપરાંત બીજા ગામોમાં ગુલાબી ઈયળ પ્રથમ વખત મોટા પ્રમાણમાં પાક સાફ કરી ગઈ હતી. સામાન્ય રીતે બીટી કપાસમાં ગુલાબી ઈયળ જોવા મળે છે પણ હવે એરંડીમાં વ્યાપક ઉપદ્રવ કરતી થતી જાય છે. સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાં 31 હજારથી વધુ હેક્ટર જમીનમાં દિવેલાનો પાક વાવવામાં આવ્યો છે. જેમાં મોટા ભાગના પાકમાં ગુલાબી ઈયળ હતી.
પાણી ફરી વળ્યા
રાજ્યમાં અનેક વિસ્તારોમાં અલગ અલગ આફતો આવી હતી. મહિસાગર જિલ્લાના ખેરડા, બામણગામ અને આસપાસના ગામોની જમીન પર નહેરના પાણી ફરી વળ્યા હતા. તેથી એરંડીના પાકને નુકસાન થયું હતું.
મજૂરોની તંગીથી ઉત્પાદન પર અસર
મજૂરોની તંગી સતત વરતાતી રહી છે. તેથી એરંડીમાં નિંદામણ ન થતાં સારું એવું ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. સેટેલાઈટ સરવેમાં છોડ સારો દેખાય તેના આધારે વિસ્તાર નક્કી થાય પણ ઉત્પાદન તો ખેડૂતના ખેતરની બહાર માલ નિકળે ત્યારે જ સાચું ગણી શકાય. જો તેમાં નિંદામણ ન થાય તો 30 ટકા જેવું મોટું ઉત્પાદન ઘટે છે. મજૂર ન મળતા નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પાકને પણ નુકસાન કરે છે.
સટ્ટા બજાર
ગુજરાત દેશમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કરે છે. રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ અને રાજકોટમાં એરંડાનું મોટાપાયે ઉત્પાદન થાય છે. 2018-19માં 36 ટકા ઓછું ઉત્પાદન થયું હતું. તેથી ઉત્તર ગુજરાતમાં સટ્ટો મોટો રમવામાં આવે છે. વાયદો થાય છે જેમાં ખેડૂતો પિસાય છે. ઉત્તર ગુજરાતમાં એરંડીનું સૌથી મોટું સટ્ટા બજાર છે. સારા ઉત્પાદનના સમાચાર જાહેર થતાં જ દિવેલાના ભાવ નીચે આવી ગયા હતા. 20થી 50 ટકા ગયા વર્ષની સરખામણીએ જોવા મળ્યા હતા.
રિમોટ સેન્સિંગ સાચો અંદાજ નથી
સરકારી આંકડા મુજબ રાજ્યમાં ખરીફ 2019માં 7.41 લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર નોંધાયું હતું. રિમોટ સેન્સિંગ ટેક્નિક અનુસાર રાજ્યમાં એરંડાનું વાવેતર 7.54 લાખ હેક્ટરનું રહ્યું હોવાનો અંદાજ છે. એગ્રીવોચના મતે ચાલુ સીઝનમાં ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 2,355 કિલોગ્રમ બતાવી હતી. જે શક્ય નથી. ગયા વર્ષે તો માંડ 1700 કિલોની હતી, તેમાં એકાએક વધારો કઈ રીતે થઈ શકે. સર્વેક્ષણમાં ગુજરાતના 12 જિલ્લાના 2,292 ખેડૂતો સાથે એક જ વખત વાત કરીને મોટા ઉત્પાદનની જાહેરાત કરી દેવામાં આવી હતી. ખરો અંદાજ તો છેલ્લા અઠવાડિયે જ આવી શકે.
એગ્રીવોચનો સરવે
દેશમાં સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ ઉદ્યોગ (SEA)ની અગ્રણી સંસ્થા સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા વતી એગ્રીવોચે દેશમાં એરંડાના ઉત્પાદનનો સરવે હાથ ધર્યો હતો જેમાં ગયા વર્ષના 10.82 લાખ ટન સામે ચાલુ સીઝનમાં 9.54 લાખ ટન ઉત્પાદન વૃદ્ધિ સાથે કુલ 20.36 લાખ ટનનો અંદાજ રજૂ કર્યો હતો.
એરંડા પકવતા ખેડૂતોને સૌથી વધારે સમસ્યા હોય તો વાયદા બજારની તેજી મંદીની છે. જેનાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. વાયદાથી કે સટ્ટાથી તો ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી.
સરવે પર નિયંત્રણ હોવા જરૂરી
ગુજરાતમાં 50 ટકા એરંડી ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં પાકે છે. સૌથી વધું કચ્છમાં એરંડી થાય છે. ઉત્તર ગુજરાતમાં 377800 હેક્ટર અને કચ્છમાં 133600 હેક્ટર એરંડી ખેડૂતોએ વાવી હતી. જ્યાં સૌથી વધું કુદરતી આફત આવી હતી. તેથી ઉત્પાદનની ધારણા ખાનગી એજન્સીએ વ્યક્ત કરી હતી. તેમાં સારો એવો ફેરફાર થયો હોવાનું કૃષિ વિભાગના અધિકારી અને ખેડૂત આગેવનો માની રહ્યાં છે. ખેડૂત આગેવાન સાગર રબારી કહે છે કે, સટ્ટા બજાર અને વેપારીઓ પોતાના ફાયદામાં આવી ધારણા વ્યક્ત કરાવીને ખેડૂતોને ઓછો ભાવ અપાવી વિદેશથી સારા ભાવ વેપારી કંપીનઓ લઈ રહી છે. સરકારે અને એપીએમસીએ આ માટે નિયંત્રણ લાદવા હવે જરૂરી બની ગયું છે. એરંડીમાં સટ્ટો બંધ કરવામાં આવે તે ખેડૂતોના હીતમાં છે.