નવી દિલ્હી : શાઓમીએ તાજેતરમાં રેડમી નોટ 8 (Redmi Note 8) ના નવા કલર વેરિઅન્ટનું ટીઝર રજૂ કર્યું છે. હવે કંપનીએ આ સ્માર્ટફોનનું નવું કોસ્મિક પર્પલ કલર વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. રેડમી નોટ 8 નો આ નવો કલર વેરિઅન્ટ ચાઇનામાં તાજેતરમાં લોન્ચ થયેલા ફોનના નેબુલા પર્પલ કલર વેરિઅન્ટ જેવો જ છે. આ નવા વેરિએન્ટના લોન્ચિંગની સાથે જ કંપનીએ એવી પણ માહિતી આપી છે કે કોસ્મિક પર્પલ કલર વેરિઅન્ટનું વેચાણ ભારતમાં 29 નવેમ્બરથી શરૂ થશે.
કંપનીએ રેડમી નોટ 8 ના કોસ્મિક પર્પલ કલર વેરિઅન્ટ વિશેની માહિતી રેડિમી ઇન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે. તેમાં પ્રોડક્ટનો ટૂંકો વિડીયો પણ શામેલ છે. નવા કોસ્મિક પર્પલ કલર વેરિઅન્ટનું પહેલું વેચાણ 29 નવેમ્બરના રોજ થશે. ગ્રાહકો બપોરે 12 વાગ્યાથી આ નવું વેરિઅન્ટ ખરીદી શકશે. તે શાઓમીની વેબસાઇટ અને એમેઝોન ઇન્ડિયા સાઇટ પરથી વેચવામાં આવશે. જણાવી દઈએ કે 29 નવેમ્બરથી શીઓમી બ્લેક ફ્રાઇડે સેલ પણ શરૂ થશે અને આ વેચાણ 2 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.