નવી દિલ્હી : રિલાયન્સ જિયો (Reliance Jio) ફરી એકવાર ભારતમાં નવો જિયોફોન લાવી શકે છે. રિપોર્ટ અનુસાર, આ વખતે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો ચીની સ્માર્ટફોન નિર્માતા વીવો સાથે ભાગીદારી કરવાની તૈયારી કરી રહી છે.
ઇટીટેલીકોમના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ જિયો ચીનની કંપની વીવો સાથે વાતચીત કરી રહી છે. આ નવા જિયોફોન હેઠળ, કંપની ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ પર ડિસ્કાઉન્ટ ઓફર આપી શકે છે.
આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ જિયો તેના આવતા જિયોફોન સાથે વન ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ, સબ્સ્ક્રિપ્શન અને શોપિંગ ઓફર પણ આપશે. જો કે, આ માટે ગ્રાહકોએ ફક્ત રિલાયન્સ જિયોના સિમનો ઉપયોગ કરવો પડશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપની માત્ર વિવો સાથે જ નહીં, પરંતુ લાવા અને કાર્બન જેવા અન્ય ભારતીય સ્માર્ટફોન ઉત્પાદકો સાથે પણ વાત કરી રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનની મહત્તમ કિંમત 8,000 રૂપિયા સુધી હોઈ શકે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ જિયો 4 જી હેન્ડસેટ્સ બનાવવા માટે ચીની હેન્ડસેટ નિર્માતા આઈટેલ સાથે ભાગીદારી પણ કરી રહી છે. આ સ્માર્ટફોન 3,000 થી 4,000 રૂપિયાની અંદર રહેશે.