ગાંધીધામનાં ઋષિ શીપીંગના માલિક બીકે મનસુખાણીનું મોત,22મી સપ્ટેમ્બરે શું થયું? મનોજ મનસુખાણી-મિડીએટર સુખરાજ સામે બીજી પત્નીનાં પરિવારના ગંભીર આક્ષેપો
પોલીસે પોસ્ટમોર્ટમ કેમ નહીં કરાવ્યું? બીજી પત્ની ઝીનત અને જમાઈ નમન દ્વારા કાનુની જંગની તૈયારી
22મી સપ્ટેમ્બરે કંડલા પોર્ટ નજીક આવેલા ગાંધીધામની ઋષિ ગ્રુપની શીપીંગ કંપનીમાં એક રહસ્યમયી અને ચોંકાવનારી ઘટના બની છે.
ઋષિ ગ્રુપના માલિક બી.કે.મનસુખાણી મુંબઈથી વાયા પ્લેન મારફત પગે ચાલીને ગાંધીધામ આવે છે અને માત્ર ત્રણ દિવસમાં તેઓ મોતને ભેટે છે. આજથી 45 વર્ષ પહેલાં બી.કે.મનસુખાણીએ સ્થાપેલા ઋષિ ગ્રુપે શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અનેક સિદ્વીઓ હાંસલ કરી છે. તે વખતના મુખ્યમંત્રી મોદીના હસ્તક ઋષિ શીપીંગને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
1997માં બી.કે.મનસુખાણીએ સ્થાપેલી કંપનીમાં ત્યાર બાદ પારિવારીક કલહની સાથે બિઝનેસ ક્લેશ ઉભો થયો અને આ કલહ બી.કે.મનસુખામીનાં મોત સુધી રહસ્ય સાથે અકબંધ રહ્યો અને આના કારણે બી.કે.મનસુખાણીના મોતને લઈ બીજી પત્નીનો પરિવાર પ્રથમ પત્નીના પરિવાર પર આક્ષેપોની ભરમાર કરી રહ્યો છે.
પહેલા એ સમજી લઈએ કે બી.કે.મનસુખાણીની બે પત્નીઓ હતી. આ પૈકી પ્રથમ પત્નીના પુત્ર તરીકે મનોજ મનસુખાણી છે. મનોજ મનસુખાણીની સાથે પત્ની નીતા, ઋષિ(મનોજ મનસુખાણીના પુત્ર) સહિતનો પરિવાર ગાંધીધામમાં રહે છે અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટમાં છે. જ્યારે બીકેનાં બીજા પત્ની ઝીનત મનસુખાણી સાથે તેમની પુત્રી નીતુ અને જમાઈ નમન સોગઢી મુંબઈમાં રહે છે. ઋષિ શીપીંગ ફર્ટિલાઝર, કોલસા, ટીમ્બર, ઈફ્કો જેટ્ટી ઓપરેશન, લિક્વિટ કાર્ગો તથા ખેત પેદાશોનું કામકાજ કરે છે. ઋષિ શીપીંગમાં ત્રીજી પેઢી ઋષિ મનસુખાણીના નાતે કાર્યરત છે.
હવે 22મી તારીખની વાત કરીએ તો આ અંગે ઝીનત મનસુખાણી અને જમાઈ નમને “સત્ય ડે” લાઈવ થઈ કેટલાક ગંભીર કહી શકાય તેવા આક્ષેપો કર્યા છે.
નમને જણાવ્યું 22મી તારીખે બી.કે.મનસુખાણીની સાથે હું અને કેર ટેકર મેહન્દ્ર પ્લેનમાં ગાંધીધામ પહોચ્યા હતા. પ્લેનમાંથી ઉતરીને બીકે મનસુખાણી સીધા ઋષિ હાઉસ’, પ્લોટ નં. 113 થી 116, ઔદ્યોગિક વિસ્તાર, વોર્ડ નં. 6, ભરતનગર, ગાંધીધામ પહોંચે છે. અહીંયા બીજા માળે કંપનીની ઓફિસ આવેલી છે. બીજા માળે પહોંચતાં જ ત્યાં મનોજ મનસુખાણી ઉપરાંત ઘરના તમામ સભ્યો હાજર હતા. આ સાથે જ સુખરાજ નામના બિઝનેસમેન પણ હાજર હતા.
“સત્ય ડે” ને આપેલા ઈન્ટરવ્યુમાં નમન આગળ કહે છે કે ઓફિસમાં પહોંચ્યા બાદ મને સુખરાજ નામની વ્યક્તિએ અલગ કોન્ફરન્સમાં રુમમાં જવાનું કહ્યું અને બીકે મનસુખાણી સહિત મનોજ મનસુખાણી, સુખરાજ, નીતા મનસુખાણી સહિત સ્ટાફ અને કેર ટેકરે બાજુની ઓફિસમાં મિટીંગ કરી હતી.
નમને કહ્યું કે ફેમિલીમાં ચાલી રહેલાં વિવાદના કારણે સુખરાજ પર બીકે મનસુખાણીને આંધળો વિશ્વાસ હતો અને મનસુખાણી ફેમિલીમાં ચાલી રહેલા પિતા-પુત્ર વચ્ચેના વિવાદમાં તેઓ મિડીએટર હતા. સુખરાજના કહેવાથીજ બીકે મનસુખાણી ગાંધીધામ આવ્યા હતા.સુખરાજે મને તમામ મિટીગથી અળગો રાખ્યો હતો.
નમને જણાવ્યું કે બીકે મનસુખાણી કહેતા હતા કે મારી કંપનીમાંથી મને બેદખલ કરવાવાળો મારો પુત્ર મનોજ પાસે કોઈ અધિકાર નથી. એટલે ગાંધીધામ આવીને પોતાનો હિસ્સો અને શેર અંગે વાટાઘાટો કરવા આવ્યા હતા. બીકે મનસુખાણી કંપનીમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ગેરરિતીઓથી સખત નારાજ હતા અને પુત્ર મનોજને આ અંગે વારંવાર ટકોરતા પણ હતા. તેમને આશંકા હતી કે ગાંધીધામમાં તેમની સાથે કશું અજુગતું થશે અને એટલે જ મને મુબઈ સાથે લઈ જવાનું કહ્યું હતું.
નમને કહ્યું કે સુખરાજે મને 22મી સપ્ટેમ્બરની મિટીગથી મને દુર રાખ્યો.મિટીંગ ચાલી રહી હતી અને 30-40 મિનિટ બાદ બીકે મનસુખાણી અચાનક જ બેભાન થયા. તેમના ડોળા ફાટી ગયા હતા. મોંઢું ખૂલ્લું હતું અને મૃતાવસ્થામાં હોય એવું જણાતું હતું. તેઓ ઢળી પડ્યા. મુંબઈથી આરામથી પોતાના પગે ચાલીને આવેલી વ્યક્તિ અચાનક મનસુખાણીની ફેમિલી મિટીંગમાં ઢળી પડ્યા એ ઘટના તેમના કુદરતી મોત અંગે શંકા ઉપજાવી રહી છે. ચાલુ મિટીંગ દરમિયાન બીકે મનસુખાણીને કોઈ દવા આપવામાં આવી જેનાં કારણે તેઓ મૃતાવસ્થામાં પહોંચી ગયા હતા. વ્હીલચેર પર તેમને લઈ જવાયા ત્યારે પણ સ્પષ્ટ જણાતું હતું કે બીકે મનસુખાણી સાથે મિટીંગ રુમમાં કશુંક અજુગતું થયું છે.
બીજી પત્ની ઝીનત અને તેમના જમાઈ નમને કહ્યું કે બીકે મનસુખાણીનું મોત કુદરતી નથી. પોસ્ટમોર્ટમ ન થાય તેના માટે અમે પોલીસનો સંપર્ક કર્યો પણ ગાંધીધામ પોલીસે અમારી કોઈ વાત કાને ધરી નહીં અને બીકે મનસુખાણીના મોત પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
બન્નેનો સીધો આરોપ છે કે મનોજ મનસુખાણી અને સુખરાજ દ્વારા પ્રિ-પ્લાન મુજબ બીકે મનસુખાણીને મુંબઈથી ગાંધીધામ બોલાવવામાં આવ્યા હતા અને તેમના મોતને કુદરતી મોત તરીકે ખપાવીને આખો ખેલ પાર પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઝીનત મનસુખાણી અને જમાઈ નમન સોગઢીએ કર્યો છે. હવે તેઓ કાનુની જંગની તૈયારીઓ કરી રહ્યા છે અને બીકે મનસુખાણીના મોતની સત્યતા બહાર લાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે.