ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 6 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 67 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ માટે પુનઃ બેઠું થવાની તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવવાનો આ સંગ્રામ છે. જોકે ઓછા મતદાને રાજકીય પક્ષોને વિચારતા કરી મુક્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલ થવાની ઘટનાઓ બની છે. કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ થતા ખુરશી ઉછળી હોવાના અહેવાલ છે. વોર્ડ 10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપે આક્ષેપ કર્યો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા જોવા મળી છે.
સેક્ટર 24માં ભાજપના કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને આવતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે વિરોધ કરતા ભાજપના કાર્યકરોએ ખેસ ઉતાર્યો હતો. સેક્ટર-15 વોર્ડ-6માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે અને પોલીસે પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22 નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો છે