રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના નવા સિમાંકનની કામગીરી કરી રહ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારમાં નવા વોર્ડ બનાવવામાં આવશે. 48 વોર્ડમાં વધારો થઇ શકે તેવી પૂરેપુરી સંભાવના છે. નવા સિમાંકન બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર વચ્ચે ઔડા વિસ્તાર નાબુદ થશે. ચાંદખેડા બાદ તુરંત જ ગાંધીનગરની હદ શરૂ થશે. અમદાવાદ પછી તુરંત ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર ચાલુ થઈ જશે. આમ અમદાવાદ અને ગાંધીનગર સીસ્ટર સિટી બની જશે. જે અંગે થોડા દિવસમાં જાહેરાત થશે.
રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓમાં હદ ફેરફાર અને વોર્ડ ફેરફાર કરવાનો રાજકીય નિર્ણય કર્યો છે. ભાજપે જ્યારે પણ કોઈ શહેરની હદ વધારી છે અને રાજકીય સિમાંકનમાં ફેરફારો કર્યા છે ત્યારે જે તે શહેરની અને ત્યાર પછીની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી છે.
જૂલાઈમાં નવા વોર્ડ સિમાંકન માટે ચૂંટણીપંચ કામગીરી શરૂ કરી દેશે.
ડીસેમ્બરમાં યોજાનાર 8 મનપાની સ્થાનિક ચુંટણીઓ પૂર્વે સપ્ટેમ્બર સુધીમાં મહાનગરોમાં વોર્ડ પુનર્ગઠન પ્રક્રિયા સંપન્ન કરવા મહાપાલિકાઓના નવા ભળેલા વિસ્તારોનું સીમાંકન ઝડપથી પૂર્ણ કરવા રાજ્ય સરકારે ઝડપી કામગીરી હાથ ધરી તમામ મહાપાલિકાઓને સુચના આપી છે.
ગુજરાતમાં મહાપાલિકાઓમાં નવા વિસ્તારોને ભેળવવાની પ્રક્રિયા રાજ્ય સરકારે મંજૂરી આપતા સ્થાનિક સંસ્થાઓએ સીમાંકન, વોર્ડ પુનર્ગઠન સહિતની કામગીરી આરંભી ગ્રામ પંચાયતોની મિલ્કત તેમજ રેકોર્ડ, વાહનો કબ્જે લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરી છે જે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શકયતા જોવાઈ રહી છે.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાઓમાં નવા વિસ્તારોને ભેળવવાની અત્યંત કઠીન ગણાતી પ્રક્રિયા ત્રણ મહિના દરમિયાન સંપન્ન કરી છે. આગામી ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજી શકાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી હાલના સંજોગોમાં મોકૂફ રાખવાની જરૂર નથી.
આમાં મોટાભાગના નવા વિસ્તારોના કબ્જા લેવાની પ્રક્રિયા રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, અમદાવાદ મહાનગરપાલિકામાં શરૂઆત કરી દીધી છે. આગામી જૂલાઈના મધ્ય સુધીમાં આ પ્રક્રિયા પૂરી થતાં જ નવા વોર્ડ સીમાંકન માટે રાજ્ય ચૂંટણીપંચ કામગીરી શરૂ કરી શકે છે. આ કામ સપ્ટેમ્બર સુધીમાં સંપન્ન થઈ જશે.