રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના મોટાભાગના વોર્ડ દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે. આધૂનિક સુવિધાથી સજ્જ ૮ માળનું નવુ બિલ્ડીંગ ૬૦૦ દર્દીની ક્ષમતા ધરાવે છે, પરંતુ દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે હાલના સંજોગોએ ૮૧૧ દર્દી વિવિધ વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે. તેના પગલે સિવિલ હોસ્પિટલનું વહિવટી તંત્ર સતત ધમધમી રહ્યું છે. ૮૧૧ દર્દીમાં સૌથી મોટી સંખ્યા વાયરલ અને ડેન્ગ્યુના દર્દીની છે.
રાજ્યના અનેક જિલ્લાની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ નવરાત્રિ શરૂ થાય ત્યા સુધી વરસાદી માહોલ રહ્યો હતો અને તે પછી પણ ઘણાં દિવસ સુધી સતત વાદળછાયા વાતાવરણની માઠી અસર વર્તાઇ રહી હતી. તેમજ દશેરા પછી મોડી રાત્રે સામાન્ય ઠંડી શરૂ થઇ છે અને શરદપૂનમનો તહેવાર પુરો થતાની સાથે બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. તેની માઠી અસર વર્તાઇ રહી હોવાથી ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોનું આરોગ્ય નાદુરસ્ત બન્યુ છે.
જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓ પણ સારવાર લઇ રહ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને વાયરલ અને ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યાનો આંકડો સૌથી વધારે ચિંતાજનક છે. આ ઉપરાંત મેલેરિયા, ટાઇફોડ, ચિકનગુનિયા અને કમળાના કેસો પણ છે, તેની સંખ્યા નહીવત છે. જો કે ૬૦૦ બેડની હોસ્પિટલમાં ૮૧૧ દર્દી સારવાર લઇ રહ્યાં છે તેમાં ગાઇનેક વોર્ડનો સમાવેશ થતો નથી. તે સિવિયના અન્ય રોગના દર્દીનો સમાવેશ થાય છે.
ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરો તેમજ ન્યૂ ગાંધીનગરના રાયસણ, સરગાસણ, રાંદેસણ અને કુડાસણ ઉપરાંત પેથાપુર અને કોલવડામાં પણ ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યા જોવા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દહેગામ, કલોલ અને માણસા તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વાયરલ અને ડેન્ગ્યૂ સહિતના દર્દીનો ધસારો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં થઇ રહ્યો છે.
અન્ય જિલ્લાના દર્દીની સંખ્યા વધારે: તંત્ર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વાયરલ અને ડેન્ગ્યૂના દર્દીઓનો ધસારો ચિંતાજનક બન્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન સિવિલમાં ૨૨૭ દર્દી નોંધાયા છે. તે અંગે ગાંધીનગર જિલ્લા અને મ્યુનિ. આરોગ્ય તંત્ર દ્વારા જણાવાઇ રહ્યું છે કે મોટાભાગના દર્દીઓ મહેસાણાના વિજાપુર, સાબરકાંઠાના હિંમતનગર અને અમદાવાદ જિલ્લાના મોટેરા અને ચાંદેખેડા વિસ્તારના વધારે જોવા મળ્યા છે.