ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે.પહેલા બેલેટ પેપરની શરૂ થઈ ગણતરી થઈ. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની ટક્કર થશે. મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત છે. વોર્ડ-3 માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મત મળ્યા છે.હાલમાં પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી આગળ હતી. પરિણામની શરૂઆતના વલણમાં ભાજપ-20, કોંગ્રેસ-2 બેઠક પર આગળ છે. ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતાનો પરાજય થયો છે.
ચૂંટણી પરિણામ લાઇવ
- વોર્ડ નંબર એકમાં AAPએ વાંધો ઉઠાવતા મતગણતરી અટકી
- વોર્ડ-3માં પેનલ તૂટી, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
- ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતા હાર્યા
- વોર્ડ-9માં ભાજપની પેનલનો વિજય
- ભાજપ-20, કોંગ્રેસ-2 અને આમ આદમી પાર્ટી 0 બેઠક પર આગળ
- વોર્ડ-5માં ભાજપની પેનલનો વિજય
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. આ ચૂંટણીનાં પરિણામ ભાજપની આગળની રણનીતિ નક્કી કરશે. 3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવશે. આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકનાં પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. એ માટે ચૂંટણીતંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.
કયા વોર્ડની ક્યાં મતગણતરી
વોર્ડ નંબર 1 (સેક્ટર – 25,26 અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર 2 (જીઈબી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર 15ની ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 40થી વધુ EVM મશીનમાં કેદ મતોની મતગણતરી કરાશે, જેમાં 70થી વધુનો સ્ટાફ રહેવાનો છે, જ્યારે વોર્ડ નંબર – 3(સેકટર – 24,27, 28) અને વોર્ડ નંબર – 4(સેકટર – 20, 29, જીઈબી છાપરા, પેથાપુર કસબો, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, લવારપુર/ શાહપુર ટીપી – 25)ની મતગણતરી સેકટર – 15 આઈઆઈટીઈમાં 48 EVMની મતગણતરી કરાશે.
એ જ રીતે વોર્ડ નંબર – 5(સેકટર – 9,10, 10A, 10B, 18,19, 20,21, 22,23, 29,30) અને વોર્ડ નંબર – 6(સેકટર – 11,12,13,14,15,16,17, ફતેપુરા, ગોકુળપુરા, વાવોલના કુબેરનગર, તળાવ પાસેના છાપરા) માટે સેકટર – 15 કોમર્સ કોલેજમાં 47 EVMની મતગણતરી કરવામાં આવશે. ઉપરાંત વોર્ડ નંબર – 7(કોલવડા, વાવોલ) અને વોર્ડ નંબર – 8(સેકટર 4,5,વાસણા હડ મતિયા, સરગાસણ, પોર, અંબાપુરના તારાપુર-ઉવારસદ ટીપી વિસ્તાર) માટે 54 EVMની મતગણતરી સેકટર – 15ની સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં યોજાશે. જ્યારે વોર્ડ નંબર – 9(સેકટર – 2,3,3 ન્યૂ ઈન્ફોસિટી, કુડાસણ) અને વોર્ડ નંબર – 10 (સેકટર – 1,6,7,8, રાંદેસણ , રાયસણ, કોબા, કુડાસણ ધોળાકૂવા ટીપી – 6) તેમજ વોર્ડ નંબર – 11( ખોરજ, ઝુંડાલ, અમિયાપુર, સુઘડ, નભોઈ, ભાટ, કોટેશ્વર) માટે સેકટર – 15 સરકારી કોલેજમાં 93 EVM મશીનની મતગણતરી કરવામાં આવશે.
રાજકીય પક્ષો પણ અસમંજસમાં
મનપાની અગાઉની બે ચૂંટણીમાં કોંગ્રેસ એક વખત જીતી ગઈ હતી તો બીજી વખત સત્તાની નજીક હતી, પરંતુ દરેક વખતે ભાજપ તડજોડની નીતિથી સત્તા પર બેસી ગઈ હતી. ત્યારે આજે સત્તાનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન એ અંગે રાજકીય પક્ષો પણ અસમંજસમાં છે, કારણ કે નવા સીમાંકનમાં નવાં 18 ગામ અને પેથાપુર નગરપાલિકા આવતાં નવા મતદારો ઉમેરાયા હતા. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝંપલાવતાં ત્રિપાંખિયો જંગ થઈ ગયો હતો, જેને પગલે આ વખતે પરિણામ અણધાર્યાં આવે એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. ત્રીજી ઓક્ટોબરના રોજ મતદાનપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા રાજકીય ડ્રામા વચ્ચે સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. બાદમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે EVM મશીનોને સેકટર – 15 ખાતેના સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયાં હતાં.
550 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત
આજે મતગણતરી સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં 550થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેમાં 6 ડીવાયએસપી, 10 પીઆઇ, 31 પીએસઆઇ, 250 પોલીસ કોન્સ્ટેબલ, 120 મહિલા પોલીસ, 50 ટ્રાફિક-પોલીસ 500 પોલીસ જવાનોને સવારથી તહેનાત કરી દેવાયા હતા.