ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવોને પગલે વિધાનસભા ગૃહમાં ભાજપ સરકારને ઘેરવા અને ખેડૂત આક્રોશ રેલીની કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી છે. આજે સવારથી જ ગાંધીનગરના સેક્ટર 7 ખાતે આવેલા સત્યાગ્રહ છાવણી મેદાનમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સંમેલન યોજાયું હતું. જોકે આ પહેલા જ ગાંધીનગરમાં પ્રવેશતા ઘણા રસ્તાઓ પર પોલીસ ખડકી દેવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ધારાસભ્યોથી મંચ ભરાઈ ગયું હતું જોકે સામે ખેડૂતોની સંખ્યા પાંખી જોવા મળી હતી. આ રેલીને અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના આ કાર્યક્રમ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ભાજપ સરકારે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ખેડૂતોના પડખે ઊભા રહી તેમની મદદ કરી છે. કોંગ્રેસને જો કોઈ પ્રશ્ન હોય તો તેણે વિધાનસભામાં સવાલ કરવા જોઈએ. મુદ્દાને યોગ્ય રીતે રજુ કરવો જોઈએ. કોંગ્રેસ તેવું કરવાને બદલે આ બાબતને રાજકીય પવન આપી રહી છે. કોંગ્રેસે ખેડૂત ન હોય તેવા લોકોને શહેરોમાંથી દબાણ પૂર્વક, લોભ આવી વગેરે રીતે અહીં ભેગા કરવામાં આવ્યા છે.
મહિલા કર્મચારીનું સન્માન જાળવવુંએ આપણી જવાબદારી છે. પોલીસ સાથેની ધક્કામુક્કીની ઘટના ઉચીત નથી તે આપણા સંસ્કારોને શોભતું નથી. ઉલ્લેખનીય છે કે મહિલા પોલીસ કર્મચારીને ધારાસભ્ય દ્વારા મારવામાં આવેલા ધક્કાને લઈને નીતિન પટેલે આમ કહ્યું હતું.